Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

કળષિ વિજ્ઞાન કેન્‍દ્ર કોડિનાર ખાતે આંતરરાષ્‍ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત સેમિનાર યોજાયો

  પ્રભાસ પાટણ : વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્‍ટ્રીય મિલેટ વર્ષ તરીકેની ઓળખ મળી છે ત્‍યારે કેવીકે ગીર સોમનાથ દ્વારા નાબાર્ડ બેંકના આર્થિક સહયોગ થકી કળષિ વિજ્ઞાન કેન્‍દ્ર કોડિનાર ખાતે ‘‘મિલેટઃ માનવનો મુખ્‍ય આહાર'' થીમ પર એક દિવસીય સેમિનાર યોજાયો હતો. ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા મિલેટ પ્રત્‍યેના હકારાત્‍મક મંતવ્‍યો રજૂ કરી ખેડૂતો પ્રાકળતિક ખેતીની સાથે સાથે મિલેટની ખેતીને પણ વેગ આપે તેવી અપીલ કરવામાં આવી હતી. આ તકે મહાનુભાવોનું મિલેટની ડૂંડીનો ઉપયોગ કરીને બનાવાયેલા પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. ડૉ. કે. ડી. મુંગરાએ ખૂબ જ સરળ ભાષામાં મિલેટની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ તેમજ આવનારા સમયમાં મિલેટની ખેતી અને મૂલ્‍યવર્ધન  ક્ષેત્રે રહેલી તકો વિશે ઉંડાણપૂર્વકનું જ્ઞાન પીરસ્‍યું હતું. કેવીકેના ડૉ. હંસાબેન પટેલ તથા શ્રી રમેશભાઈ રાઠોડ દ્વારા પણ ગીર સોમનાથ જિલ્લામાં મિલેટનું વાવેતર, વેચાણ વ્‍યવસ્‍થાપન, મિલેટનું માનવ આહારમાં મહત્‍વ વગેરે જેવા વિષય પર ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. આ સેમીનારનું સંચાલન વિષય નિષ્‍ણાત પૂજાબેન નકુમ દ્વારા કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમ બાદ ઉપસ્‍થિત સૌએ મિલેટ આધારિત ભોજન લઈ ખરા અર્થમાં મિલેટ વર્ષની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં જૂનાગઢ કળષિ યુનિવર્સિટીના ડો.એચ.સી. છોડવડીયા, બાજરા સંશોધન કેન્‍દ્ર વૈજ્ઞાનિક ડૉ. કે. ડી. મૂંગરા, જિલ્લા ખેતીવાડી અધિકારી  એચ.જી.લાલવાણી, ડીડીએમ નાબાર્ડ ગીર સોમનાથ  કિરણ રાઉત, અંબુજા સિમેન્‍ટ ફાઉન્‍ડેશન ડીજીએમ  ડી.બી. વઘાસીયા વગેરે મહેમાનો ઉપસ્‍થિત રહ્યા હતા. ઉપસ્‍થિત સર્વેનું શાબ્‍દિક સ્‍વાગત તેમજ કાર્યક્રમની ઝલક વરિષ્ઠ વૈજ્ઞાનિક અને કેવીકે વડા   જીતેન્‍દ્રસિંઘ દ્વારા આપવામાં આવી હતી. (તસ્‍વીર : દેવાભાઈ રાઠોડ,પ્રભાસ પાટણ)

(10:46 am IST)