Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસ : જયસુખ પટેલની જામીન અરજી પર આજે ફેંસલો ?

ગાંધીનગર તા. ૭ : મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં જેલમાં કેદ જયસુખ પટેલની વચગાળાની જામીન અરજી પર ગઈકાલે મોરબી સેશન્‍સ કોર્ટમાં સુનાવણી થઈ હતી. મોરબીની ડિસ્‍ટ્રિક્‍ટ એન્‍ડ સેશન્‍સ કોર્ટમાં બન્ને પક્ષ તરફથી દલીલો પૂરી થઈ ગઈ છે. જયસુખ પટેલની જામીન અરજી પર કોર્ટ ૭ માર્ચે આજે તેનો ફેંસલો સંભળાવશે.

જામીન અરજી પર બન્ને પક્ષો તરફથી થઈ દલીલો

જયસુખ પટેલના વકીલે અરજીની સુનાવણી દરમિયાન કોર્ટમાં દલીલ કરી હતી કે બેંકનું કામ અને પીડિતોને વળતર ચૂકવવા માટે જયસુખ પટેલને વચગાળાના જામીન મંજૂર કરવા જોઈએ.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતી વખતે જયસુખ પટેલને પીડિતોની મદદ માટે વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. પબ્‍લિક પ્રોસિક્‍યુટરે દલીલ કરી હતી કે જયસુખ પટેલ ત્રણ મહિનાથી ફરાર હતા અને એક મહિનાથી જેલમાં છે. વળતર આપવા માટે જયસુખ પટેલને જામીન આપવા જોઈએ નહીં. તે જેલમાં છે તે છતાં પણ કંપનીનું કામકાજ ચાલી રહ્યું છે. બન્ને પક્ષોની દલીલ સાંભળ્‍યા પછી હવે કોર્ટ જામીન અરજી પર કોર્ટ આજે ફેંસલો સંભળાવશે

ગુજરાત હાઈકોર્ટે આપ્‍યો

હતો મહત્ત્વનો આદેશ

અગાઉ મોરબી પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો આદેશ આપ્‍યો હતો. ગુજરાત હાઈકોર્ટે ઓરેવા કંપનીને મૃતકના પરિવારજનોને રૂ.૧૦-૧૦ લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો. એટલું જ નહીં દુર્ઘટનામાં ઘાયલ દરેક પીડિતને રૂ. ૨ લાખ ચૂકવવાનો પણ આદેશ આપ્‍યો હતો. આ દુર્ઘટનામાં અનાથ થયેલાં ૭ બાળકોની સારસંભાળ કરવાનો પણ હાઈકોર્ટે આદેશ આપ્‍યો હતો. ચુકાદો સંભળાવતી વખતે ગુજરાત હાઈકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે વળતર ચૂકવવાથી પોલીસ કાર્યવાહીમાંથી રાહત મળશે તેમ કંપનીએ માનવું જોઈએ નહીં. કેસની કાર્યવાહી અને વળતરને કોઈ સંબંધ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ૩૦ ઓક્‍ટોબર, ૨૦૨૨ના રોજ મોરબી ઝૂલતો પૂલ તૂટવાને લીધે સર્જાયેલી દુર્ઘટનામાં ૧૩૫થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્‍યા હતા.

(2:15 pm IST)