Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

ચોટીલા સહિત વિસ્‍તારમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ ચોટીલા પંથકમાં વરસાદ સાથે પવન હોવાથી ખેડૂતોને જીરું, ધાણા અને ઘઉં જેવા વાવેતર માથે મોટું નુક્‍સાન વેઠવું પડે છે. તેમજ વાવાઝોડું ફૂંકાયું હોવાથી હાઇવે ઉપરની દુકાનોનાં પતરાં ઉડ્‍યા હતા. જયારે પવનના કારણે શહેરમાં અનેક વિસ્‍તારોમા વીજ તાર તુટતા વિજ પુરવઠો ખોરવાયો હતો. કરા સાથે વરસાદ પડયો હતો. સુરેન્‍દ્રનગર જીલ્લામાં ધીમેધીમે માર્ચની શરૂઆત સાથે ઉનાળો તપી રહ્યો છે. અને તાપમાનનો પારો ઉંચે ચડતો જાય છે. સરેરાશ ૩૮ ડીગ્રી તાપમાનમા જનજીવન શેકાઈ રહ્યુ છે. બીજી તરફ હવામાન ખાતાની આગાહી મુજબ ગઈકાલે વાતાવરણમાં પલ્‍ટો આવતા સવારે ઠંડક જેવુ વાતાવરણ અનુભવાયુ હતુ. સુરેન્‍દ્રનગર, લખતર, રાજપર સહીત અનેક વિસ્‍તારોમાં માવઠા રૂપે વરસાદી છાંટા પડયા હતા. લખતર શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં માવઠું પડતા ખેડુતો ચિંતીત બન્‍યા હતા. અનેક જગ્‍યાએ પશુપાલકોએ પોતાના પશુ જીવો માટે રાખેલી કડબ પલળી ગઈ હતી. લખતર એ.પી.એમ.સી. દ્વારા આગાહીને અનુસરીને ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભરઉનાળે વરસાદી માવઠાથી ઘઉ, જીરૂ, બીટીકપાસ, વરીયાળી, ધાણા જેવા પાકોને નુકશાનની ભીતી સેવાઈ રહી છે અને ખેડુતોમાં ઉચાટ-ચિંતાની લાગણી જોવા મળી રહી છે. પાટડી તાલુકાના વણોદ ગામે કરા સાથેના વરસાદથી ખેતીમાં નુકશાન પહોંચ્‍યું છે. સુરેન્‍દ્રનગર જિલ્લામા ધીમીધારે વરસાદ પણ વરસ્‍યો હતો. પાટડીમાં પલટો આવ્‍યાં બાદ કેટલાંક વિસ્‍તારોમાં કરા સાથે વરસાદ ખાબક્‍યો હતો. પાટડી પંથકના આજુબાજુના વિસ્‍તારમાં વહેલી સવારે કરા સાથે જોરદાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેમજ સુરેન્‍દ્રનગર શહેરી વિસ્‍તાર તેમજ અન્‍ય કેટલીક ગ્રામીણ વિસ્‍તારોમા વરસાદી ઝાપટા પડ્‍યા હતા. ઉનાળાના પ્રારંભે જ માવઠું થતા ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે.બીજી તરફ સુરેન્‍દ્રનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડમા ખુલ્લામાં પડેલા ઉત્‍પાદનને પણ નુકસાન થયું હોય તેવું જાણવા મળી રહ્યું છે. ત્‍યારે સતત ચોથા વર્ષે પણ સુરેન્‍દ્રનગર જિલ્લાવાસીઓએ ઉનાળાના પ્રારંભિક સમયમાં માવઠાના માર સહન કરવો પડ્‍યો છે. ત્‍યારે હજુ પણ આગામી બે દિવસ વરસાદની આગાહી વ્‍યક્‍ત કરવામાં આવી છે. જયારે આ કમોસમી માવઠાના પગલે રણમાં મીઠું પકવતા હજારો અગરિયા પરિવારોને મીઠામાં ભારે નુકસાની થતાં એમની હાલત અત્‍યંત કફોડી બની છે. હજી જો રણમાં વરસાદ ખાબકે તો અગરિયા પરિવારો રણમાં જ ફસાઇ જવાની દહેશત ઉભી થતાં એમનો જીવ પડીકે બંધાયો છે.

(11:15 am IST)