Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

સુરેન્‍દ્રનગરમાં હોળીની રાતે બઘડાટીઃ ચેતન, મુકેશ પર હેૈદર, ઇમરાન અને કરીમનો ધારીયાથી હુમલો

ચેતન ધોળકીયાના સગાના ૪ માસના બાળકનો જીમ પ્રસંગ હોઇ ડીજે સાઉન્‍ડ પર રાસ રમતા હતાં ત્‍યારે હૈદર અને ઇમરાને મશ્‍કરી કરતાં ના પાડતાં ડખ્‍ખોઃ મુકેશને રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૭: સુરેન્‍દ્રનગરમાં હોળીની સાંજે ધોળકીયા પરિવારના લોકો સંબંધીના ચાર માસના દિકરાનું જીમ રાખવામાં આવ્‍યું હોઇ તે પ્રસંગની ઉજવણી કરવા ડીજે સાઉન્‍ડ પર શેરીમાં ગરબા રમતાં હતાં ત્‍યારે બાજુમાં રહેતાં ત્રણ શખ્‍સોએ આવી મશ્‍કરી શરૂ કરતાં તેને પ્રસંગમાંથી નીકળી જવા સમજાવતાં ત્રણેયએ આ પરિવારના એક યુવાનને ગાળો દઇ ધમકી આપી જતા રહ્યા બાદ સમાધાનની વાત વખતે ધારીયાથી હુમલો કરી ઇજા કરતાં અને વચ્‍ચે પડેલા મિત્રને પણ ઘાયલ કરતાં દેકારો મચી ગયો હતો. તે પૈકી એકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

સુરેન્‍દ્રનગર ખોડિયાર મંદિર પાછળ વેલનાથ સોસાયટીમાં રહેતાં અને કારખાનામાં કામ કરતાં મુકેશ બટુકભાઇ માસીયાવા (ઉ.વ.૨૫)ને રાતે હૈદર, તેના પિતા સહિતનાએ ધારીયાથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના પરષોત્તમભાઇએ સુરેન્‍દ્રનગર એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

આ બનાવમાં ત્‍યાંની પોલીસે ભીમરાવ સોસાયટી ચાર માળીયા પાસે રહેતાં અને કલર કામની મજુરી કરતાં ચેતન પ્રભુભાઇ ધોળકીયા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી ફિરદોસ સોસાયટી ચાર માળીયામાં રહેતાં હૈદર ઉર્ફ ઠુઠો કરીમભાઇ ભટ્ટી, ઇમરાન ઉર્ફ ઇરફાન રહીમભાઇ જેડા અને કરીમભાઇ બાવલભાઇ ભટ્ટી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.  ચેતનને ઇજા થઇ હોઇ સુરેન્‍દ્રનગર દાખલ કરાયો હતો. તેણે જણાવ્‍યું હતું કે હોળી નિમીતે બહારગામથી આવેલા સગાનો દિકરો સિધ્‍ધરાજ જે ચાર મહિનાનો હોઇ તેનું જીમ રખાયું હોઇ આ પ્રસંગે અમે શેરીમાં ડીજે સાઉન્‍ડ પર ગરબા રમતાંહતાં. આ વખતે હૈદર અને ઇરફાને આવી અમે ગરબા રમતાં હતા એ સ્‍થળે મજાક મશ્‍કરી ચાલુ કરતાં મેં તેને આવુ ન કરવા અને દૂર જવાનું કહેતાં તેણે ઝપાઝપી અને મારામારી ચાલુ કરી હતી. આ વખતે સગા, મિત્ર મુકેશ બટુકભાઇ માસીયાવા, સંજય ચંદુભાઇ વડલખીયા સહિતે છોડાવ્‍યા હતાં.

એ પછી હૈદર અને ઇમરાન ઝઘડો કરવાની ધમકી દઇ જતા રહ્યા હતાં. વધુ ઝઘડો ન થાય તેથી હું તથા મિત્રો, મારો ભાઇ અનિલભાઇ એમ બધા ચાર માળીયામાં હૈદર ઉર્ફ ઠુઠાના ઘરે સમાધાનની વાત કરવા જતાં હૈદર, ઇમરાન, હૈદરના પિતા કરીમભાઇ સહિતના ઉશ્‍કેરાયા હતાં અને ગાળો દઇ ધારીયાથી હુમલો કરતાં મને તથા મિત્ર મુકેશને ઇજાઓ થઇ હતી. ચેતનની આ કેફીયત પરથી પ્રો. પીઆઇ જે. પી. ચોૈધરીએ ગુનો નોંધ્‍યો હતો.

(11:56 am IST)