Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

૬૧ કિલો હેરોઇન ભારતમાં કોને આપવાનું હતું?: ઇરાનીઓ સાંજે ઓખા પહોંચશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૭: ઓખાના દરિયામાંથી ૬૧ કિલો હેરોઇન સાથે ઇરાની બોટ ઝડપાયા બાદ ભારે ખળભળાટ મચી ગયો છે ત્યારે આ ડ્રગ્સ ભારતમાં કોને આપવાનું હતું તે એક મહત્વનો સવાલ ઉઠયો છે તે માટે એ.ટી.એસ.એ તપાસમાં જંપલાવ્યું છે.

એ.ટી.એસ. દ્વારા આ જથ્થો કોનો હતો? ભારતમાં કયાં ઉતારવાનો હતો? આ ડ્રગ્સ પ્રકરણમાં કોણ કોણ સંડોવાયેલ છે તેની હકિકત બહાર લાવવા જાણકારી મેળવવામાં આવશે જો કે આ ઝડપાયેલા પાંચેય શખ્સો ઇરાન દેશના હોઇ ઇરાની ભાષાના જાણકાર વ્યકિતને સાથે રાખી પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે.

ખાનગી ઓપરેશન

ઓખાથી દરિયામાં ભારતીય બોર્ડરની નજીક એક બોટમાં મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો આવતો હોવાની બાતમી ઉપરથી એ.ટી.એસ.ની ટીમ અને કોસ્ટયાર્ડ દ્વારા અત્યંત ખાનગીર ીતે ઓપરેશન શરૃ કરાયુ઼ં હતું જેમાં સફળતા પ્રાપ્ત થઇ હતી તથા ૪રપ કરોડનું ૬૧ કિલો ડ્રગ્સ પકડાયું છે.

સોમવારે ખાસ બાતમી ઉપરથી એ.ટી.એસ.ની ટીમ તથા ઇન્ડીયન કોસ્ટગાર્ડની ટીમો દ્વારા બે હાઇસ્પીડ શીપ મીરાબેન તથા અભીક લઇને અરબી સમુદ્રમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે ઓખા દરિયા તટથી ૩૪૦ કિલોમીટર દૂર દરીયામાં એક બોટને શંકાસ્પદ સ્થિતિમાં જોતા તેને અટકાવવા પ્રયાસ કરતા આ બોટવાળા નાસી જતાં કોસ્ટગાર્ડના બન્ને શીપો દ્વારા ફરજિયાત આ બોટને દબાણ કરીને અટકાવતા  તે ઇરાનની બોટ નીકળી હતી જેમાં ઇરાનના પાંચ ક્રુ-મેમ્બરો હતા તથા બોટમાં તપાસ કરતા ૬ ૧ કિલો ડ્રગ્સનો જથ્થો પેકેટમાં હતો જેની કિંમત ૪રપ કરોડની થાય છે.

આ તમામ ખલાસીઓ તથા બોટને ઝડપી લઇને તેમને ઓખા દરીયાકાંઠે લાવવાની પ્રક્રિયા રાત્રે હાથ ધરવામાં આવી હતી અને સાંજ સુધીમાં આ ખલાસીઓ ઓખા પહોંચી જશે પછી તેમની પુછપરછ હાથ ધરાશે તથા આજે કોર્ટમાં રજુ કરી રીમાંડ માંગવામાં આવશે.

૧૮ માસમાં ર૩પપ

કરોડનો જથ્થો પકડાયો

રાજયના એ.ટી.એસ. વિભાગે ભારતીય કોસ્ટ ગાર્ડની સાથે મળીને છેલ્લા અઢાર માસમાં ૪૦૭  કિલો કિંમત રૃા. ર૩પપ કરોડનો પકડી પાડયો છે તથા અનેક વિદેશી નાગરીકો બોટ પણ આ દરોડામાં અત્યાર સુધીમાં પકડાયા છે.

જાન્યુઆરીમાં ર૮૦ કરોડનું પકડાયેલું

ગત જાન્યુઆરી માસમાં જ એ.ટી.એસ. તથા કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં પાકિસ્તાની બોટમાં ઢગલાબંધ હથિયારો સાથે ર૮૦ કરોડનું ડ્રગ્સ તથા ૧૦ પાકિસ્તાનીઓને પકડી પાડવામાં આવેલા અને તે પછી વધુ ૪રપ કરોડનું ડ્રગ્સ પકડાયું છે.

જામનગર-દ્વારકાના પૂર્વ જિ. પો. વડાઓનું ઓપરેશન

એ.ટી.એસ.ના દીપેન ભદ્રન તથા સુનીલ જોશી દ્વારા રાજય પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું જે અત્યંત ખાનગી રીતે થયું હતું તથા બાતમીદારોની મદદ લઇને બોટનું ચોકકસ લોકેશન મેળવીને કોસ્ટગાર્ડ સાથે રાખીને આ ઓપરેશન પૂર્ણ કરાયું હતું.

ઉલ્ખેયનિય છે કે અગાઉ દ્વારકા જિ. પો. વડા તરીકે કામ કરી ગયેલા એસ. પી. સુનિલ જોશીએ દ્વારકા પોલીસ વડા હતા ત્યારે પણ પ૦૦ કરોડનો ડ્રગ્સનો જથ્થો ખંભાળીયા સલાયામાંથી જિલ્લા પોલીસ વડા દ્વારા પકડીને રાજયમાં રેકોર્ડ સર્જયો હતો તથા ડ્રગ્સ પકડવાની તેમની માસ્ટરીથી એ. ટી. એસ. માં રાજય સરકારે મુકતા બે માસમાં સાતસો કરોડ ઉપરાંતનો જથ્થો પકડવામાં તેમણે નિર્ણાયક ભૂમિકા ભજવી છે.

ઓખાના ભરત બારાઇના અહેવાલ મુજબ સ્ટેટ એ. ટી. એસ. - સેન્ટ્રલ આઇ. બી. નેવલ આઇ. બી. પોલીસ કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ ઓખા દોડી આવ્યા છે. બોટ બપોર બાદ ઓખા આવ્યા બાદ વધુ માહિતી બહાર આવશે.

સુરક્ષા એજન્સીઓના ઓખામાં ધામા હોઇ તપાસ જોરમાં છે.

છેલ્લા એક વીકથી ૩ બોટ સાથે સતત પેટ્રોલીંગ કરી રહી હતી. સુરક્ષા એજન્સીઓએ માહિતીના આધારે દરિયામાં વોચ ગોઠવી હતી

(12:14 pm IST)