Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

મોરબી : સ્પાના ધંધાર્થી સહિત ૯ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૭ : શ્રમિકોની નોંધણી કરાવવાનું જાહેરનામું અમલી છે. છતાં તેનો ભંગ કરનાર સ્પાના ધંધાર્થી,ભાડે મકાન આપનાર તથા કોન્ટ્રાકટરો સહિત કુલ ૯ લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા જાહેરનામા ભંગની  કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

મોરબીમાં લીલાપર રોડ ખડીયાવાસમાં રહેતા વિમલભાઇ નાજાભાઇ ઝાપડાએ પોતાની માલીકીની ઓરડીઓ પરપ્રાંતીય માણસોને ભાડેથી આપી સબંધીત પોલીસ મથકને જાણ કરી ન હતી. જયારે મોરબીમાં સર્કીટ હાઉસ પાસે આવેલ મસાજ પાર્લર પાસે વિપુલભાઇ રામઆશ્રય પાંડેએ પોતાના સ્પા મસાજપાર્લરમાં કામ કરતા સ્ટાફના આઇડી પ્રુફ મેળવ્યા ન હતા. આ ઉપરાંત મોરબી માળીયા હાઇવે રોડ પર વસુધરા હોટલના સંચાલક ભાર્ગવભાઈ માવજીભાઈ જોષી, મોરબીના વનાડીયા ગામ પાસે આવેલ રવી મીલન સીમેન્ટ પાઇપના કોન્ટ્રાકટર મહેશભાઇ ડાયભાઇ વાઘેલા અને પટેલ સીમેન્ટ પાઇપના કોન્ટ્રાકટર સોહનભાઇ કેજુભાઇ બારૈયા, લીલાપર રોડ પર આવેલ યશ પોલીપેક કારખાનાના કોન્ટ્રાકટર ગૌરવ વિરેન્દ્રસિંહ ચૌહાણ, ,ટંકારાના ખીજડીયા રોડ પર આવેલ એકવા મલ્ટીપેક કારખાનાના પ્રાગજીભાઇ ડાયાભાઇ કાવર, ટંકારા-લતીપર રોડ પુલીયાની બાજુમાં આવેલ ભંગારનો ડેલો ચલાવતા રામલાલ માંગીલાલ ગુર્જર, હળવદ જી.આઇ.ડી.સી.ના કાનજીભાઇ ભુપતભાઇ રાઠોડ સહિતના લોકો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસે જાતે ફરિયાદી બની જણાવ્યું છે કે MORBI ASSURED એપ્સમાં પરપ્રાંતીય મજુરનું રજીસ્ટ્રેશન કરવા જાહેરનામું અમલી હોય છતાંઆરોપીએ પોતાની નીચે કામ કરતા મજુરના આઈડી પ્રૂફ મેળવ્યા ના હતા અને એપમાં રજીસ્ટર નહિ કરાવી જાહેરનામાં ભંગ કર્યો હોય જેથી તમામ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:44 pm IST)