Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

જુનાગઢ આલ્‍ફા વિદ્યા સંકુલે, શિક્ષકોને ૩ કાર, રર મોટરસાયકલ સહિતના ૧ કરોડના ઈનામો આપી સન્‍માનિત કર્યા

ગુજરાતના શિક્ષણ ક્ષેત્રની અનેરી ઘટના

જૂનાગઢ, તા.૭: હ્યુન્‍ડાઈ ક્રેટા, ટાટા અલ્‍ટ્રોઝ, મારૂતિ અલ્‍ટો, ૪ હોન્‍ડા એક્‍ટિવા, ૧૮ હિરો સ્‍પ્‍લેન્‍ડર, ૮ એચ.પી. લેપટોપ, ૩ આઈફોન અને રપ માઈક્રોવેવ ઓવન. આ કોઈ મોટા શોરૂમમાં વેચવા મુકેલી વસ્‍તુઓનું લીસ્‍ટ નથી પણ એકાદ કરોડની આ કિંમતી વસ્‍તુઓ સોરઠની જાણીતી શૈક્ષણિક સંસ્‍થાએ તેના શિક્ષકોને આપેલી ભેટ છે. જે ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રની એક જુદી જ ઘટના છે.

આલ્‍ફા વિદ્યા સંકુલના મેંદરડા યુનિટ ખાતે વાર્ષિકોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં વરિષ્‍ઠ મહિલા આગેવાન અનારબેન પટેલ અને શૈક્ષણિક સંસ્‍થાના મોભી જીગ્નેશ નકુમની હાજરીમાં સંસ્‍થાના વર્ષોથી કામ કરતા શિક્ષકોને આ મોંઘીદાટ વસ્‍તુઓ ભેટ આપી તેમણે કરેલી ઉત્‍કળષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે અનાર પટેલે આ ઘટનાને શેક્ષણિક ક્ષેત્રની અદ્ભુત ઘટના ગણાવી હતી. જ્‍યારે જીગ્નેશ નકુમે જૂનાગઢ અને મેંદરડાની આ શેક્ષણિક સંસ્‍થાની સફળતાને બ્રાંચોમાં શિક્ષકો, વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાર્થીઓએ સાથે મળીને વર્ષો સુધી સતત કરેલી એકધારી કામગીરીનું પરિણામ ગણાવ્‍યુ હતું. સૌરાષ્‍ટ્રના વિવિધ વિસ્‍તારોમાંથી વિશાળ સંખ્‍યામાં હાજર રહેલા વાલીઓ ઉપરાંત અગ્રણી શેલેષભાઈ દવે સહિતના વિવિધ ક્ષેત્રોના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતાં અને મોડી રાત સુધી વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત વિવિધ સાંસ્‍કળતિક કાર્યક્રમો માણ્‍યા હતા.

(1:30 pm IST)