Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

મોરબી: ધુળેટીમાં બાળકોની કાળજી લેવી જરૂરી : જાણો ડો.સનારિયા પાસેથી મહત્વના સૂચનો

શરીરના ખુલ્લા ભાગમાં સન્સક્રીમ લોશન લગાવવું. કોઇ જગ્યાએ નાનો ઘા હોય તો પહેલા ત્યાં બેન્ડએડ અથવા ડ્રેસીંગ લગાડી રાખવું.

મોરબી : ધુળેટીએ રંગ અને મસ્તીનો ઉત્સવ છે. આ તહેવારમાં લોકો તેમના સંબંધીઓ, મિત્રો અને નજીકના લોકોના ચહેરા પર અબીલ-ગુલાલ લગાવીને ધુળેટીની ઉજવણી કરે છે. સૌથી વધુ ધુળેટીની રાહ બાળકો જોતા હોય છે. રંગોથી રમતી વખતે બાળકો બધુ ભૂલીને મજા કરે છે. આવી સ્થિતિમાં બાળકો જો ધુળેટી રમવા જઈ રહ્યા છે તો માતા-પિતાએ ઘણી સાવચેતી રાખવાની જરૂર હોય છે, જેથી બાળકો તહેવારને સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે. ત્યારે મોરબીના જાણીતા બાળરોગ નિષ્ણાંત ડોક્ટર મનીષ સનારીયા પાસેથી જાણો ધુળેટી દરમિયાન માતા-પિતાએ બાળકોની કેવી સાવચેતી રાખવી જોઈએ.

ડો.સનારીયા જણાવે છે કે, આ વર્ષે બધાં બાળકો એ ધુળેટી રમવાનું ટાળવું જોઇએ છતાં બાળકો જીદ કરે તો ફરજીયાત માસ્ક પેરીને ઘરના લોકો સાથે હોળી રમવી.ધુળેટી રમતી વખતે સિન્થેટીક કલરની જગ્યાએ હર્બલ કલરનો ઉપયોગ કરવો જેથી બાળકોને આંખ અને ચાકડીમાં નુકશાન ન થાય.ધુળેટી રમતા પહેલા શરીર પર મોઇસ્ચ્યુરાઇઝર અથવા તેલ લગાડવું જેથી ચામડી સુકી ન થાય અને નવડાવતી વખતે કલર ઝડપથી નીકળે.આંખના રક્ષણ માટે ચશ્મા પહેરી રાખવા. શરીરના ખુલ્લા ભાગમાં સન્સક્રીમ લોશન લગાવવું. કોઇ જગ્યાએ નાનો ઘા હોય તો પહેલા ત્યાં બેન્ડએડ અથવા ડ્રેસીંગ લગાડી રાખવું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાણી ખૂબ પીવું જેથી ડિહાઇડ્રેશનથી બચી શકાય. ધુળેટી રમીને આવ્યા પછી બાળકના વાળ અને ચામડી સાબુ અને શેમ્પુથી સાફ કરી પછી જ જમવા આપવું. ધુળેટી રમ્યા પછી જો ચામડી પર કોઇ લાલ ચકામા દેખાય, ખજવાળ આવે, ઉધરસ ચાલુ થઇ જાય અથવા શ્વાસ લેવામાં તકલીફ જણાય તો આપના ફેમીલી ડોકટરનો તુરંત સંપર્ક કરવો.

   
(9:39 pm IST)