Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

જન ઔષધિ દિવસની ઉજવણી નિમિત્તે ભુજ ટાઉનહોલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

સસ્તી અને સારી જેનેરિક દવાઓ લોકો સુધી પહોંચે તે દિશામાં સહિયારા પ્રયાસો કરીએ:જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા: પ્રધાનમંત્રીના વિઝનમાંથી પ્રેરણા લઈને જરૂર પડ્યે જેનેરિક દવાઓનો જ ઉપયોગ કરીએ:ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ

ભુજ :દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલને લઈને જેનેરિક દવાઓ બાબતે લોકોમાં જાગૃતતા વધારવા માટે ૭ માર્ચના રોજ જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં આજરોજ ભુજ ટાઉનહોલ ખાતે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું

 

આ પ્રસંગે પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, જન ઔષધિ દિવસ પૂર્વે વિવિધ કાર્યક્રમો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજવામાં આવ્યા હતા અને લોકોમાં જેનેરિક દવાઓ અંગે જાગૃતિ આવે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, દવાઓની ખરીદી વખતે ફક્ત બ્રાન્ડને જ ધ્યાનમાં ના લેવી જોઈએ, બ્રાન્ડ કરતાં દવામાં રહેલું કન્ટેન્ટ મહત્વનું છે.

વડાપ્રધાનનો ઉલ્લેખ કરીને પ્રમુખએ કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોથી આરોગ્યક્ષેત્રે અનેક યોજનાઓનું અમલીકરણ જનસુખાકારી માટે કરવામાં આવી રહ્યું છે. મોંઘી દવાઓના લીધે જનતા પર બોજો ના પડે તેનું ધ્યાન પણ આપણી સરકાર રાખી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ ઠેર-ઠેર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જ્યાંથી સસ્તી અને સારી ગુણવત્તાવાળી દવાઓ જનતાને મળી રહે છે. હર્ષ સાથે તેઓએ ઉમેર્યું હતું કે આવા કુલ ૧૪ જન ઔષધિ કેન્દ્રો કચ્છ જિલ્લામાં કાર્યરત છે અને લોકો તેનો લાભ લઈ રહ્યા છે. આ જેનેરિક દવાઓ ઘર ઘર સુધી પહોંચે અને બહોળી સંખ્યામાં જનતાને લાભ મળે તે દિશામાં સહિયારા પ્રયાસો કરવા પ્રમુખશ્રીએ અનુરોધ કર્યો હતો.

ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે આ પ્રસંગે મંચથી પરથી જણાવ્યું હતું કે જ્યારે આટલી સસ્તી અને સારી ગુણવત્તાવાળી દવાઓ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોમાં ઉપલબ્ધ છે ત્યારે અન્ય જગ્યાએથી દવાઓ લેવાનું ટાળવું જોઈએ. સરકાર તમામ લોકો માટે ચિંતા કરી રહી છે. તેઓએ વધુમાં ઉમેર્યું કે આપણે સૌએ પ્રધાનમંત્રીના વિઝનમાંથી પ્રેરણા લઈને જેનેરિક દવાઓનો પ્રસાર-પ્રચાર કરવો જોઈએ.

આ પ્રસંગે જન ઔષધિ કેન્દ્રોમાં વિશિષ્ટ કામગીરી હોય એવા તમામ વ્યક્તિઓનું સન્માન પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જેનેરિક દવાઓ કોને કહેવાય અને તે કેવી રીતે તૈયાર થાય અને ભારત જેનેરિક દવાઓના ઉત્પાદન સહિત નિકાસમાં અગ્રેસર છે તે તમામ પાસાઓ વિશે માહિતી મદદનીશ કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એન.આર.સૈયદે આપી હતી. સ્વાગત પ્રવચન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.આર.આર.ફૂલમાલી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ.કશ્યપ બૂચે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કરસનજી જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી, બાંધકામ સમિતિના ચેરમેન જનકસિંહ જાડેજા, કચ્છ જિલ્લા કલેક્ટર દિલીપ રાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર જી.કે.રાઠોડ, નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસિયા સહિત આરોગ્યકર્મીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

   
(10:49 pm IST)