Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

મોરબી: જેનેરિક દવાઓ બાબતે જાગૃતતા લાવવા જન ઔષધિ દિવસની ઉજવણી કરાઈ.

મોરબી : સરકાર દ્વારા જેનરીક દવાઓ બાબતે લોકોને જાગૃત કરવા અને આ દવાઓ તમામ લોકો સુધી પહોંચાડવાના આશયથી જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના જન જન સુધી પહોંચાડવા માટે જન ઔષધિ ‘સસ્તી પણ – સારી પણ’ એવી થીમ સાથે મોરબીના રવાપર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ લોક કલ્યાણ માટે યોજાતા કાર્યક્રમોની સરાહના કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમો થકી લોકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભ મળી રહે છે. પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજનાની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ ક્ષેત્રે લોકોની ચિંતા કરી છે. વધુમાં તેમણે આરોગ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા અપીલ કરી હતી.

જન ઔષધિ દિવસ અન્વયે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઇ પડસુંબિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખાતે કોઈ પણ આડઅસર વિનાની જેનરિક દવાઓ સસ્તા ભાવે મળે છે. ત્યારે લોકોએ પૂર્વગ્રહ છોડી આ દવાઓ લેવી જોઈએ અને અન્યને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ.
સ્વાગત પ્રવચનમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવેએ સસ્તી અને સુલભ જેનરિક દાવાઓની ગુણવત્તા અને મહત્વની વાત કરી આ બાબતે લોકોને જાગૃત થવા જણાવ્યું હતું. આભારવિધી સીડીએમઓ તથા મેડિકલ કોલેજ ડીન બિશ્વાસે કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ દલસાણીયાએ કર્યુ હતું. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા અલાયદા સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. જ્યાંથી લોકોએ બ્લડ પ્રેશર, ડાયાબીટીસ વગેરે જેવા બિનચેપી રોગની તપાસ નિ:શૂલ્ક કરાવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કલેક્ટર જી. ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, સિવિલ સર્જન ડો. કે.આર. સરડવા,  ડૉ. વિપુલ કારોલિયા, ડૉ.ડી.વી. બાવરવા સહિત આરોગ્ય વિભાગ અને મેડિકલ કોલેજ તથા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ/કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:15 am IST)