Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

કચ્છમાં સારો વરસાદ છતાં પાણીની તંગીઃ મહિલાઓ બેડા લઈને દૂર જવા મજબૂર

કચ્છમાં ગયા વર્ષે સારો વરસાદ પડ્યો હતો : તેમ છતાં દર વખતની જેમ આ વખતે પણ ત્યાંના ગામડાઓમાં પાણીની તંગી જોવા મળી રહી છે : કચ્છના ગામડાઓમાં પાણીની તંગી : પાણી ભરવા માટે મહિલાઓએ ૩થી ૫ કિમી દૂર જવું પડે છે : 'પાણીની સમસ્યાનો ઉકેલ લાવીશું' તેવા વચનો આપતા રહે છે વરિષ્ઠ અધિકારીઓ

અમદાવાદ,તા.૭: પાણી માટે ઉઘાડા પગે ખરા તડકામાં માથે બેડા લઈને કેટલાય કિમી દૂર જતી મહિલાઓના દ્રશ્યો ફરીથી કચ્છમાં જોવા મળી રહ્યા છે. સત્ત્।ાવાર માહિતી અનુસાર, ગયા વર્ષે કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદ કરતાં ૨૮૨ ટકા જેટલો વરસાદ પડ્યો હતો, પરંતુ ભારત-પાકિસ્તાન સરહદ પરના ગામડાઓ હજી પણ જીવન માટે અમૃત સમાન ગણાતા પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

દરેક ઉનાળાની જેમ, આ ગામડાઓની મહિલાઓને પાણી લેવા માટે નિયમિત પાંચ કિમીથી વધુ ચાલવાની ફરજ પડે છે. પશુપાલકો પણ દર વર્ષની જેમ પાણીની શોધમાં અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયા છે.

પચમ ખાવડા ક્ષેત્રમાં ૧૭ ગ્રામ પંચાયતો હેઠળ ૪૦ ગામ આવેલા છે. કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય અને મોટ દિનારા ગામના રાશિદ સમાએ જણાવ્યું હતું કે, આ તમામ ગામો પાણીની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યા છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનો અહેવાલ જણાવે છે.

'લગભગ ૩૦ ટકા પશુપાલકો પાણીની શોધમાં પોતાના પશુઓ સાથે લખપત અને અબડાસામાં સ્થળાંતર કરી ગયા છે. વરિષ્ઠ અધિકારીઓ વચન આપતાં રહે છે કે, તેઓ અમને ટેન્કર દ્વારા પાણી આપશે અને અમને નર્મદાનું પાણી મળશે, પરંતુ અમે હજી સુધી કંઈ મળ્યું નથી', તેમ સમાએ ઉમેર્યું હતું.

વહીવટીતંત્રએ બોરવેલ પણ ખોદાવ્યો નથી અને તેથી અહીંયાની મોટાભાગની વસ્તી 'વિરદા'માંથી (ખોદાયેલા કુવા) ગંદું પાણી પીવા માટે મજબૂર છે. પરંપરાગત 'વિરદા' વર્ષોથી આ ક્ષેત્રમાં ગામડાઓની તરસ છીપાવી રહી છે.

રતાડીયા જૂથ પંચાયતના નેતા જુમ્મા સમાએ સરકારી અધિકારીઓને જવાબદાર ગણાવ્યા હતા. 'દરરોજ મને પાણીની તંગી વિશે ફરિયાદ કરવા માટે ઘણા લોકોના ફોન આવવે છે, પરંતુ મારી પાસે જવાબ નથી. જયારે હું જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કરું છું ત્યારે તેમની પાસેથી યોગ્ય જવાબ મળતો નથી. કેટલાક ગામડાઓમાં ખાનગી કુવાઓ છે જે ટેન્કરનું પાણી વેચે છે અને લોકો પાસે તેને ખરીદવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી', તેમ તેમણે કહ્યું હતું.

એવા ઘણા ગામડાઓ છે જે પાણીની પાઈપલાઈનથી જોડાયેલા છે, પરંતુ આ ગામડાઓની ટાંકીમાં દર બે કે ત્રણ મહિને એકવાર પાણી આવે છે. 'અમને સરળતાથી પાણીનું ટેન્કર મળતું નથી, અમને ૨૮ દિવસ પછી એક ટેન્કર મળે છે અને તેઓ ૫૦૦ રૂપિયા લે છે. અમારી પાસે પશુઓને પીવડાવવા પણ પાણી નથી અને તેથી અમારે પાણી લેવા માટે ત્રણથી પાંચ કિમી દૂર જવું પડે છે', તેમ મોટા બંધા ગામના વતની હનિફ સમાએ જણાવ્યું હતું.

કચ્છ જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે, ગ્રામજનોને પડતી મુશ્કેલીઓને સરળ કરવા માટે સરકાર કાર્યરત છે.'પાણી પુરવઠા વિભાગ પીવાના પાણીની સમસ્યા જોઈ રહ્યું છે અને આ વિસ્તારમાં અમે મનરેગા હેઠળ તળાવ ઉંડા કરવાના પ્રોજેકટ પર કામ કરી રહ્યા છીએ. અમે સરકારી બિલ્ડિંગોમાં વોટર રિચાર્જ સ્ટ્રકચર બનાવવાની પણ યોજના બનાવી રહ્યા છીએ'.

(11:04 am IST)