Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

અયોધ્યાના રામમંદિર શિલાન્યાસ પ્રસંગે ભકિતપૂર્ણ ઉત્સવ છોટીકાશીમાં ઉજવાયો

જામનગર લોહાણા મહાજનવાડી સ્થિત રામમંદિરને રોશનીથી શણગારઃ આરતી અને પૂજન-અર્ચન કરતા અગ્રણીઓ

જામનગર તા.૭: અયોધ્યાનગરીમાં રામજન્મ સ્થાન પર ભગવાન શ્રી રામચંદ્રજીના દિવ્ય-ભવ્ય મંદિરના નિર્માણકાર્યની આધારશીલા ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુકી એ ઐતિહાસિક ઘડીનો ધર્મોત્સવ જામનગર સહિત હાલારમાં પણ ભકિતભાવ સાથે ઉજવાયો હતો.

જામનગરમાં લોહાણા મહાજનવાડી સ્થિત પૌરાણિક રામમંદિરમાં આ અવસરે, ગઇકાલે બપોરે ૧ર-૩૦ કલાકે પૂજન-અર્ચન અને આરતીનો કાર્યક્રમ પ્રવર્તમાન મહામારીના સંકટ સમયમાં સરકારી માર્ગદર્શિકાના પાલન સાથે આયોજીત કરાયો હતો. આ ધાર્મિક ઉત્સવમાં લોહાણા મહાજનના  પ્રમુખ જીતુભાઇ લાલની આગેવાની હેઠળ મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત રામભકતોએ ભાગ લીધો હતો. સમગ્ર આયોજન લોહાણા મહાજનના મંત્રી રમેશભાઇ દત્તાણીની દેખરેખ હેઠળ થયુ હતું. જામનગર  લોહાણા મહાજનવાડી સ્થિત આ રામંદિરને રંગબેરંગી રોશનીથી સુશોભિત પણ કરવામાં આવ્યું હતું.

અયોધ્યાના આ ઐતિહાસિક ધર્મોત્સવના વધામણાં કરવા હાલારના રઘુવંશીઓને સમસ્ત હાલાર લોહાણા સમાજના કન્વીનર જીતુભાઇ લાલે અનુરોધ કર્યો હતો. જેના પ્રતિસાદરૂપે હાલારના બન્ને જિલ્લા જામનગર તથા દેવભૂમિ દ્વારકામાં ડઝનબંધ સ્થાનો ઉપર રઘુવંશી સમાજના આગેવાનો-કાર્યકરો અને રામભકતોએ નાના-મોટા ધાર્મિક કાર્યક્રમોનું ધર્મસ્થાનો ઉપર તેમજ સેંકડો રહેઠાણમાં પણ ઉત્સાહભેર આયોજન કર્યું હતું. આ માટે તમામ રઘુવંશીઓ પ્રત્યે સમસ્ત હાલાર લોહાણા સમાજના કન્વીનર જીતુભાઇ લાલે આભારની લાગણી પ્રદર્શિત કરી છે.

(11:52 am IST)