Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

ટંકારાના છતરમાં મોડી રાત્રીએ અચાનક લોકોને શ્વાસ લેવામાં તકલીફ, ગેસ લિકેજની ભીતિએ અડધું ગામ ખાલી થઈ ગયુ

ગામ નજીક કોઈક દુર્ગંધયુક્ત કેમિકલ ઠાલવી ગયાના પુરાવા મળ્યા, તીવ્ર દુર્ગંધ અને શ્વાસ લેવામાં તકલીફ પાછળ કેમિકલ જ કારણભૂત નીકળ્યું

ટંકારા તા.૭: ટંકારાના છતર ગામે મોડી રાત્રે અચાનક તીવ્ર દુર્ગંધ આવવા લાગતા અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતા ભયનો માહોલ ફેલાયો છે. ત્યાંથી નીકળતી એક મોટી પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થયાની ભીતિએ અડધું ગામ ખાલી પણ થઈ ગયું હતુ અને હાઈવે કાઠે આવેલ હોટલમાં પરીવાર સાથે હિજરત કરી ગયા હતા. ત્યારબાદ ગામ નજીક આવેલ જીઆઇડીસીમાં કોઈક દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળી ગયા હોવાનું ધ્યાને આવતા શ્વાસ લેવામાં તકલીફ થવા પાછળ આ કેમિકલ જ કારણભૂત હોવાથી વહીવટી તંત્ર દોડતું થયું હતું.

ટંકારાના છતર ગામે ગત રાત્રીના 10:30 વાગ્યાના અરસાથી અચાનક જ તીવ્ર દુર્ગંધ આવવા લાગી હતી. આ સાથે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થવી ઉલ્ટી ઉપકા થવા અને ઉંમર લાયક વ્યક્તિઓને શ્વાસ ચડવા લાગતા હિજરત શરૂ થઈ હતી . અડધા ગામના લોકો ગામ છોડી રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલ વસિલા હોટેલમાં આશ્રયસ્થાન લઈ પહોંચી ગયા. જો કે આ અંગેની જાણ તંત્ર ને કરતા , પ્રદુષણ વિભાગ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. 

વધુમાં છતર ગામમાંથી જ ગેસની મોટી પાઇપલાઇન પસાર થતી હોય, લોકોમાં એવો પણ ભય ફેલાયો હતો કે ગેસની પાઇપલાઇન લીકેજ થઈ છે. જો કે આ દરમિયાન ગ્રામજનોને જોવા મળ્યું કે ગામની નજીક એક જગ્યાએ કોઈ કેમિકલ ઢોળી ગયું હતું. આ કેમિકલ અત્યંત દુર્ગંધ યુક્ત છે. જેની નજીક જતા જ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જેથી અચાનક મોડી રાત્રે ગામમાં જે અંધાધૂંધી ફેલાય તેની પાછળ ગેસ લીકેજ નહિ પરંતુ આ દુર્ગંધયુક્ત કેમિકલ હોવાનું સામે આવ્યું હતું 

આ મામલે પ્રદુષણ વિભાગના અધિકારી કે. બી. વાઘેલાએ જણાવ્યું કે ગામમાં કોઈ કેમિકલ ભરેલું ટેન્કર ઠાલવીને જતું રહ્યું હોવાનું જણાય આવે છે. પ્રદુષણ વિભાગ દ્વારા આ કેમિકલના નમૂના લેવામાં આવ્યા છે. હવે આ નમૂના લેબમાં મોકલવામાં આવશે અને રીપોર્ટ બાદ ખ્યાલ આવશે કે આ કેમિકલ કઈ પ્રકારનુ છે. પરંતુ અતિ દુર્ગંધ યુક્ત પ્રવાહીથી વાતાવરણ તંગ બન્યાનુ આપણી સાથે વાત કરતા જણાવ્યું હતું. 

બનાવ અંગે જીલ્લા પોલીસ વડાને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે મોકલી સતત લાઈઝનિગ હેઠળ ડિ વાય એસ પી રાધિકાબેન ભારાઈ પિ એસ આઈ બી ડી પરમાર સહિતના પોલીસ સ્ટાફ હાજર રહો હતો. અને જાણવાજોગ નોંધ દાખલ કરીને વધુ તપાસ વિજયભાઈ બાર ચલાવી રહ્યા છે.(તસવીર-અહેવાલ : જયેશ ભટાસણા)

(10:00 am IST)