Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

આદિવાસી માનસીક અસ્‍થિર યુવાનનું પરીવાર સાથે મિલન કરાવતી એન્‍ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ બ્રાંચ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૭:  સમાજમાં ખાખી વર્ધી પરત્‍વે નાકનું ટીચકું ચડાવાતું હોય છે.પરંતુ દંડા પછાડતી પોલીસનાં હદયમાં પણ સંવેદના ભરી હોય છે.પોલીસ દ્વારા માનવતા લક્ષી કાર્યો ખાખી વર્ધી માટે સન્‍માનીય બની રહેતાં હોય છે.
તાજેતરમાં એન્‍ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ રાજકોટ દ્વારાᅠ માનવતા ઉજાગર કરતી હદય સ્‍પર્શી ઘટના સામે આવી છે.
એન્‍ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટનાં પીએસઆઇ. તસ્‍લીમ રીઝવી રાજસ્‍થાન અજમેર શરીફ જઇ રહ્યા હતાં.આ વેળા પાલી નેશનલ હાઈવે પર આવેલી ન્‍યુ દેવા હોટેલમાં ચા નાસ્‍તા માટે રોકાયા હતા.
દરમ્‍યાન હોટલમાં કામ કરતાં અઢાર વર્ષનાં યુવાન પર નજર પડતાં પોલીસ ની ઇન્‍વેસ્‍ટીગેશન નજર માં કંઇક સવાલો ઉદ્દભવતા હોટેલ માલીક રાજેશ મારવાડી ને યુવાન અંગે પુછપરછ કરી હતી.જેમાં હોટેલ માલીકે જણાવ્‍યું યુવાન અસ્‍થીર મગજનો છે. ચાર માસ પહેલા ભુખ્‍યા તરસ્‍યા હોટેલ પર આવી ચડતાં અહીં આશરો આપ્‍યો હતો.યુવાનની ત્રુટક વાતો થી તે ગુજરાતી હોવાનું જણાતાં ગુજરાત તરફ જતાં ટ્રકમાં બેસાડી વતનમાં પંહોચતો કરવાની અપેક્ષાએ યુવાનને હોટેલમાં રાખ્‍યો હતો.વિગતો જાણી પીએસઆઇ તસ્‍લીમ રીઝવી એ યુવાન સાથે આત્‍મીયતા કેળવી વાત કરતા સ્‍પસ્‍ટ બોલી નહીં શકતો યુવાન ત્રુટક ભાષામાં ઘુઘુ તથાં અમરગઢ એવું બોલતો હોય તસ્‍લીમ રીઝવીએ યુવાનનાં મોબાઈલમાં ફોટા પાડી જીલ્લા પોલીસ વડા બલરામ મીણાને મોકલી વિગત જણાવી હતી.તપાસ શરૂં થતાં બનાસકાંઠા જિલ્લામાં અમરગઢ આવ્‍યું હોવાનું જાણવા મળ્‍યું હોય તસ્‍લીમ રીઝવી એ બનાસકાંઠાનાં પીએસઆઇ ચૌધરી અને અમરગઢનાં પીએસઆઇ પટેલનો સંપર્ક કરી અસ્‍થીર યુવાનનાં ફોટા મોકલતાં અમરગઢ રહેતાં અને ખેતમજૂરી કરતાં આદિવાસીᅠ ભુરાભાઈ અસારીનો પુત્ર રમેશ હોય છ માસથી ઘરેથી નિકળી ગયાની વિગતો મળતાં પીએસઆઇ રીઝવી એ પાલી થી યુવાનને સાથે લઇ અમરગઢ પહોંચી યુવાનનાં પરીવારને સોંપતા પરીવાર ની આંખો હર્ષથી છલકાઇ ઉઠી હતી.યુવાનનાં પિતા ભુરાભાઈનાં જણાવ્‍યા મુજબ તેમને સંતાનમાં બે પુત્રો છે.જે પૈકી મોટો રમેશ માનશીક અસ્‍થિર હાલતમાં હોય છ મહિના પહેલાં ઘરેથી ચાલ્‍યો ગયો હતો.પુત્ર ગુમ થતાં ભુરાભાઈનાં પરીવારે તેને શોધવાં આકાશ પાતાળ એક કર્યા હતાં.પુત્ર અસ્‍થિર મગજનો હોય કંઇક અજુગતું બનશે તો?
 તેવાં સવાલો વચ્‍ચે પરીવાર સતત ચિંતિત હતો. દરમ્‍યાન પીએસઆઇ તસ્‍લીમ રીઝવીની જાગૃતતાથી વિખુટા પડેલા યુવાનનું પરીવાર સાથે મિલન થતાં હદય સ્‍પર્શી દ્રષ્‍યો સર્જાયા હતા.આ વાળાં એ પીએસઆઇ તસ્‍લીમ રીઝવીએ પણ અજમેર શરીફની યાત્રા ખરાં અર્થમાં પરીપૂર્ણ થયાંનો સંતોષ અનુભવ્‍યો હતો.

 

(10:28 am IST)