Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

ઘેલા સોમનાથ મહાદેવના શ્રાવણ માસના છેલ્લા રવિવારે શિવભકતોએ દર્શન કરવા લાંબી લાઈનો લગાવી

જસદણ : રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા નજીક આવેલ સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું પુરાતન મંદિર આવેલું છે. જે રાજકોટ શહેરથી ૭૭ કિ.મી.ના અંતરે આવેલું છે. ઘેલા(ઉન્મત ગંગા) નદીના કાંઠે આવેલા આ મંદિરનું નિર્માણ આશરે ૧૫મી સદીમાં મીનળદેવીએ કરાવ્યું હતું. એવું મનાય છે કે, મુસ્લિમોએ સોમનાથ મહાદેવ પર આક્રમણ કર્યું હતું ત્યારે મીનળદેવી અને કેટલાક રાજપૂતો સોમનાથ મંદિરના અસલ શિવલિંગને બચાવીને અહીં લઈ આવ્યા હતા. તેમની સાથે ઘેલો નામનો વાણિયો પણ હતો. જે અહીં શિવાલયને બચાવવા આક્રમણખોર મુસ્લિમો સામેની લડાઈમાં શહીદ થતાં તેની યાદમાં નદીને ઘેલા નામ આપીને મહાદેવને ઘેલા સોમનાથ તરીકે ઓળખાવાયું હતું અને ત્યારથી આ મહાદેવ ઘેલા સોમનાથ તરીકે ઓળખાવા લાગ્યું છે. આખો શ્રાવણ માસ લાખો શિવભકતો ઘેલા સોમનાથ મહાદેવના દર્શને આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે શ્રાવણ માસના છેલ્લા રવિવારે શિવભકતોએ ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે લાંબી લાઈનો લગાવી દર્શનનો લ્હાવો લીધો હતો. (તસ્વીર-અહેવાલ : નરેશ ચોહલીયા- જસદણ)

(11:41 am IST)