Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

પેટ્રોલ-ડિઝલ ઉપરની એકસાઇઝ ડયુટી કેન્દ્ર સરકાર ઘટાડેઃ વિરજીભાઇ ઠુંમર

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૭ : લાઠી - બાબરાનાં ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે મોદી સરકારની લોક વિરોધી આર્થિક નીતિઓની ઉગ્ર ઝાટકણી કાઢતાં આજરોજ એક નિવેદનમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ભુતકાળમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધારાને લઇને ગુમરાહ કરી અને બીજી તરફ દેશની સવા સો કરોડ જનતાને તેમના બેંક ખાતામાં રૂપિયા પંદરલાખ જમા કરાવવાના લોભામણા અને સોનેરી સપનાઓ દેખાડીને સતા તો મેળવી લીધી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કદાપી સંતોષી ન શકાય એવી લોક અપેક્ષાઓને પુરી કરવા તેમના સાત વર્ષના શાસનમા આર્થિક સુધારાઓના નામે નોટબંધીથી માંડીને એક પછી એક નાના મોટા અનેક મનઘડત આર્થિક સુધારાઓ કર્યા કે જેના કારણે દેશની અર્થવ્યવસ્થા એટલી હદે ખોરવાઇ ગઇ છે કે શું ? હવે તેઓ તેના ઉપર અંકુશ મેળવી શકશે કે કેમ ? તે એક સવાલ છે.

ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મનઘડત આર્થિક નીતિઓના કારણે પેટ્રોલ ડીઝલ ગેસ કેરોસીન અને ખાદ્યતેલ ઉપરાંત જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓથી માંડીને તમામ પ્રકારની ચીજવસ્તુઓના ભાવો નિરંકુશપણે સતત વધી રહયા છે. તેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘર ચલાવવું અત્યંત મુશ્કેલ બનતુ જાય છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની દશા એક સાંધે ત્યાં તેર તુટે જેવી થઇ ગઇ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવો ઘટવા છતાં મોદી સરકારે પેટ્રોલીયમ પેદાશોના ભાવોમાં વધારો કરીને નફાખોરી કરી રહી છે. મોદી સરકારે પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવોમાં વધારો કરીને એક અંદાજ મુજબ રૂપિયા રપ લાખ કરોડની આવક કરી છે તે બતાવે છે કે મોદી સરકારે રીતસરની લુંટ મચાવી છે.

ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે અંતમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવો નીચા લાવવા એકસાઇઝ ડયુટીમાં ઘટાડો કરવાની જરૂર છે. મોદી સરકારે એકસાઇઝ ડયુટીના માધ્યમથી પ્રતિ લીટર પેટ્રોલ પર અંદાજે ર૪ રૂપિયા પ્રતિ લીટર ડીઝલ પર અંદાજે ર૯ રૂપિયા જેટલો એકસાઇઝ ડયુટીમાં વધારો કર્યો છે તે દેશના પેટ્રોલ અને ડીઝલ ઉપભોકતાઓના હિતમાં પાછો ખેંચવા મોદી સરકારને અનુરોધ કરૂ છુ.

(1:21 pm IST)