Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

જુનાગઢમાં એડવોકેટની હત્યામાં પત્નીની અટકાયત : છરી કબ્જે કરાઇ

દારૂ પીને ત્રાસ આપતા હત્યા કર્યાની કબુલાત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૭ : જુનાગઢના મંગલધામ-બેમાં રહેતા એડવોકેટ નિલેશભાઇ દેવજીભાઇ દાફડા (ઉ.વ.૩૮)ની હતયામાં તેની જ પત્ની કાજલની અટકાયત કરી તેની પાસેથી હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ છરી કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક વકીલની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. રવિવારની રાત્રે નિલેશ દાફડાની લાશ તેના જ ઘરમાં મળી આવતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, સી ડીવીઝન પીએસઆઇ જે.જે.ગઢવી વગેરે  દોડી ગયા હતા.

પોલીસે શંકાના આધારે મૃતકની પત્ની કાજલની પુછપરછ કરતાં તેણીએ પતિ નિલેશ દાફડા રોજ રોજ દારૂ પીને ત્રાસ આપતો હોય  તેથી કંટાળીને તે છરી વડે હત્યા કર્યાની કબુલાત આપી હતી.

આથી પોલીસે કાજલની સાંજે અટકાયત કરી હતી અને હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ છરી પણ કબ્જે કરવામાં આવી હતી.

પીએસઆઇ શ્રી ગઢવીએ જણાવેલ કે આજે કાજલનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેની વિધિવત ધરપકડ કરવામાં આવશે અને હાલ આ હત્યામાં પત્ની સિવાય અન્યની ભુમિકા જણાતી નથી.

પત્નીએ પતિની હત્યા કરી નાખતા બે સંતાનોને પિતાની છત્રછાયા ગુમાવવી પડી છે અને માતા જેલમાં જતા ગમગીની વ્યાપી ગઇ હતી. 

(1:27 pm IST)