Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ભુજ શહેર ભક્તિ અને મંદિરોનું ધામ: વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય : ભુજમાં શ્રીનાથજી પ્રભુની ઝાંખીએ સર્જ્યું વૃંદાવન, રાજકોટના કલાકારો દ્વારા કૃષ્ણલીલાની ભાવવાહી પ્રસ્તુતિ

ભુજના દ્વારકાધીશ મંદિરના મુખિયાજી સ્વ.ચંદ્રિકાબેન પ્રભુલાલ વ્યાસની પ્રથમ પૂણ્યતિથિ નિમિતે શ્રીનાથજી પ્રભુની ઝાંખી પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાની પ્રેરક ઉપસ્થિતી

(ભુજ) ભુજના દ્વારકાધીશ મંદિરના મુખિયાજી સ્વ.ચંદ્રિકાબેન પ્રભુલાલ વ્યાસની પ્રથમ પૂણ્યતિથિ નિમિતે ભુજ ટાઉનહોલ ખાતે યોજાએલ શ્રીનાથજી પ્રભુની ઝાંખી પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યે પ્રેરક ઉપસ્થિતી આપી હતી.
    શ્રી નાથજીના ચરણોમાં વંદન કરતા તેમણે જણાવ્યું હતુ કે ભુજ ભક્તિ અને મંદિરોનું ધામ છે. સ્વ.ચંદ્રિકાબેનની શ્રીનાથજીના ભક્તિ સંસ્મરણોને તાજા કરતા અધ્યક્ષાશ્રીએ જણાવ્યું હતુ કે, તેમની ભક્તિ અને આર્શીવાદ આપણી સૌ પર સદા રહેશે અને તેમની પુણ્યતિથિ નિમિતે યોજેલી આ ઝાંખી ભક્તજનોને સંતુષ્ટ કરશે.
શ્રીનાથજી પ્રભુની ઝાંખીનું આકર્ષણ રાજકોટના કલાકારો નીતિનભાઈ દેવકા, નીધીબેન ધોળકિયા, હિતસ્વ નાણાવટી અને તેમની ટીમ રહ્યા હતા. આ કલાકારોએ ભગવાન શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓની ભાવવાહી પ્રસ્તુતિ સાથે નૃત્ય તેમ જ કૃષ્ણ ભજનોના સથવારે વ્રજલીલા, ગૌચરણલીલા, ગોવર્ધનલીલા, ફૂલડોલલીલા, કાલિનાગ દમન સહિત વિવિધ લીલાઓ રજૂ કરી હતી. ભગવાન કૃષ્ણની બાળલીલા અને નંદોત્સવ માં બાળ ગોપાલની ભૂમિકા પદ્મજ જગત વ્યાસ અને અન્ય સભ્યોએ પ્રસ્તુત કરી હતી.
    આ કાર્યક્ર્મમાં તેમની સાથે સર્વશ્રી જીલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજના નગરપતિ ઘનશ્યામ ઠક્કર, પૂર્વ સાંસદશ્રી પુષ્પદાન ગઢવી, નગરપાલિકા કારોબારી ચેરમેનશ્રી જગતભાઇ વ્યાસ, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, જયંતભાઇ માધાપરિયા, નિશાંત વોરા, રાજદીપસિંહ ગોહિલ, મીત પુજારા, અજય ગઢવી, ભરત પીપરાણી, ભૌમીકભાઇ વચ્છરાજાની સહિત શ્રીમતી વિપુલાબેન જલધિભાઇ વ્યાસ તેમજ સમસ્ત વ્યાસ પરિવાર અને તેમના સ્વજનો સાથે નગરપાલિકાના સર્વ પદાધિકારીશ્રીઓ, સભ્યોશ્રીઓ, સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ, અને રાજકોટના કલાકર્મીઓ, તેમજ નગરજનો અને વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.

(10:10 am IST)