Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

હળવદના ગ્રામ્ય વિસ્તારમાં ગભરૂ પક્ષી હોલના ટપોટપ મોત

માલણીયાદ ગામની સીમમાં આવેલ મેલડી માતાજીના મંદિર પાસે જ ત્રણ દિવસમાં ૧૦ થી વધુ હોલાના મોત

(દીપક જાની દ્વારા)હળવદ,તા. ૭: તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી શાંત અને ગભરુ પક્ષી ગણાતા હોલાના ભેદી રીતે ટપોટપ મોત થઈ રહ્યા છે. ગળાના ભાગે સોજો આવ્યા બાદ મોતને ભેટી રહેલા હોલા અંગે પશુપાલન વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ખાસ કરીને માલણીયાદ ગામની સીમમાં હોલા પક્ષીના ભેદી રીતે ટપોટપ મોત થઈ રહ્યા છે. માલણીયાદ ગામની સીમમાં આવેલ મેલડી માતાજીના મંદિરના મહંતના જણાવ્યા પ્રમાણે મંદિરની જગ્યામાં લીલોતરી અને દ્યટાટોપ વૃક્ષો હોવાથી અનેક પક્ષીઓ આશ્રય લ્યે છે જેમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી હોલા પક્ષી અચાનક જ મોતને ભેટી રહ્યા છે.

બીજી તરફ મંદિરના મહંત દ્વારા હોલા પક્ષીઓના મોત અંગે પશુપાલન વિભાગને જાણ પણ કરવામાં આવી છે. જો કે, પશુપાલન વિભાગે સ્થળ તપાસ કરવાને બદલે હોલના મૃતદેહને હળવદ ખાતે મોકલી આપવા રોકડો જવાબ પરખાવી દીધો હોવાથી પ્રકૃતિ પ્રેમીઓમાં કચવાટ જાગ્યો છે.

જો કે, પશુપાલન વિભાગની ઢીલી નીતિને કારણે હાલ તો હોલા પક્ષીના મોત અંગેનું રહસ્ય ઉકેલાયું નથી ત્યારે સીમ વિસ્તારમાં ઝેરી પદાર્થ ચણવાથી કે પછી કોઈ ભેદી રોગચાળાથી હોલાના મોત થઈ રહ્યા હોવાનું મનાય રહ્યું છે. નોંધનીય છે કે શિયાળામાં બર્ડ ફ્લુનો ખતરો વધતો હોય હોલા પક્ષીના ટપોટપ મૃત્યુ નિપજવા મામલે તપાસ થવી અત્યંત જરૂરી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

(11:41 am IST)