Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

પોરબંદર સાંદીપનિમાં ભાઇશ્રીના સાનિધ્યમાં ૪૦મું શારદીય નવરાત્રી અનુષ્ઠાન

(પરેશ પારેખ, વિનુ જોષી દ્વારા) પોરબંદર,જૂનાગઢ,તા. ૭: સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સાનિધ્યમાં ૪૦મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન આજે તા. ૭ થી ૧૫ ઉજવવામાં આવશે.

સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્થાપક, સંસ્કૃતિ અને સંસ્કૃતભાષાના સંપોષક તથા સંવાહક, દેશ-વિદેશમાં શ્રીમદ ભાગવત કથા અને શ્રીરામ કથાના માધ્યમથી અનેક લોકોના જીવનને ધન્ય બનાવનારા પૂજય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન પ્રતિદિન સવારે ૯:૦૦થી 'શ્રીરામચરિતમાનસ'નું મૂળ પારાયણ થશે તથા બપોર બાદ ૩:૩૦ વાગ્યેથી પ્રતિદિન શ્રીરામ મંદિરના કોષાધ્યક્ષશ્રી પૂજય સ્વામીશ્રી ગોવિંદદેવગીરીજી મહારાજના વ્યાસાસનથી 'શ્રી હનુમત્ કથા' ના શ્રવણનો અલભ્ય અવસર પ્રાપ્ત થશે.

શારદીય નવરાત્રિ અંતર્ગત  શ્રીહરિ મંદિરમાં પ્રતિદિન નૂતન ધ્વજારોહણ, પૂજન અને શ્રીકરૂણામય માતાજીના અલૌકિક ઝાંખીના દિવ્ય દર્શન અને સાયં આરતી અને રાસ-ગરબા થશે.  શારદીય નવરાત્રિમાં વિશેષ રૂપે તા. ૧૦ રવિવારના ના રોજ બપોર બાદ ૩:૩૦થી ૨૫મા સાંદીપનિ ગૌરવ અવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે સાંદીપનિ ગૌરવ એવોર્ડનું ૨૫મું વર્ષ રજત જયંતી વર્ષ સમારોહમાં શ્રી રામ મંદિરના કોષાધ્યક્ષ પૂજય સ્વામી ગોવિંદદેવગિરિજી મહારાજ, પૂનાને દેવર્ષિ એવોર્ડ, સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલય, વારાણસીના પૂર્વ કુલપતિશ્રી ભગવદીયશ્રી રાજારામ શુકલજીને બ્રહ્મર્ષિ અવોર્ડ , ભગવદીયા શ્રીમતી કોકિલાબેન અંબાણીને રાજર્ષિવર્ય એવોર્ડ અને પ્રસિદ્ઘ સમાજસેવી તથા સાંસદ પ્રો. અચ્યુત સામંતજી, ભુવનેશ્વરને મહર્ષિ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવશે. આ ગૌરવ એવોર્ડ સમારોહ પૂજય ભાઇશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે. તારીખ ૧૩ના રોજ સાંદીપનિ શ્રીહરિ મંદિરના પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવનાષ્ટમી યજ્ઞ  અને તારીખ ૧૫, વિજયાદશમીના રોજ સુંદરકાંડ હોમાત્મક યજ્ઞ કરવા માં આવશે.

વિજયાદશમીના પાવન દિવસે સવારે શ્રીહરિ મંદિરમાં દ્વારકાધીશજીની ધ્વજાજીનું પૂજન થશે અને સાયંકાલે ૫:૦૦ વાગ્યે દ્વારકા મુકામે જગતમંદિરે પૂજય ભાઇશ્રી અને ભાવિકોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ થશે. શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમોની સાથે પૂજય ભાઇશ્રીની પ્રેરણાથી સેવાકીય કાર્યો તરીકે વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાંદીપનિ પરિસર માં તા. ૭ થી ૧૫ સુધી દંતયજ્ઞ કેમ્પ , તારીખ ૦૮ ના રોજ નેત્રમણીના સાથે નેત્રયજ્ઞ , તારીખ ૧૨ના રોજ મેગા રકતદાન કેમ્પ, તારીખ ૧૩/૧૦/૨૦૨૧ કોવિડ-૧૯  વેકસીનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવેલ છે.  તારીખ ૧૨/૧૦/૨૦૨૧ ના રોજ લાયન્સ હોસ્પિટલ ખાતે પલ્મોનોલોજીકેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

તમામ મેડિકલ કેમ્પ્સની વિશેષ માહિતી માટે કો-ઓર્ડિનેટર સુરેશભાઈ ગાંધી તથા ભરતભાઈ ગઢવીનો સંપર્ક કરવો સંપર્ક નંબર ૯૭૧૨૨ ૨૨૦૦૦ છે. સંપૂર્ણ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવના મુખ્ય મનોરથી શ્રીબજરંગલાલજી તાપડિયા પરિવાર, મુંબઈ છે.  કોવિડ-૧૯ની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને આ ઉત્સવ મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં ઉજવવાનો હોવાથી આપ સૌ ભાવિકો આપના દ્યરેથી જ sandipani.tv અને સોશ્યલ મીડિયાના માધ્યમથી જોડાઈને દિવ્ય કાર્યક્રમોના શ્રવણ-દર્શનના લાભ લેવા સાંદીપનિ પરિવાર દ્વારા નિમંત્રણ એક યાદીમાં પાઠવ્યું છે.

(11:42 am IST)