Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

નવલા નોરતાનો આરંભ...

નવરાત્રી અનુષ્ઠાનનો પ્રારંભ : રાત્રે રાસ-ગરબાની રમઝટ

પ્રથમ દિવસે માં શૈલપુત્રીની આરાધના સાથે ભકિતભાવ માહોલ છવાયો... : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરબાનું સ્થાપન, પૂજન, આરતી સહિતના કાર્યક્રમોઃ પ્રાચીન ગરબીઓમાં અવનવા રાસ રજૂ કરાશે

કચ્છમાં માતાના મઢ શ્રી આશાપુરા માતાજી મંદિરે ઘટસ્થાપનઃ ભૂજઃ કચ્છ માતાના મઢ શ્રી આશાપુરા માતાજી મંદિરે આજે નવરાત્રીની ઘટ સ્થાપના થઈ છે. કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ કેશદેવી માં આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે ઘટ સ્થાપનની વિધિ કરાઈ હતી (તસ્વીરઃ વિનોદ ગાલા, વિનોદ પોપટ-ધીરજ સ્ટોર)

રાજકોટ, તા. ૭ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે અને નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવશે અને દરરોજ રાત્રીના પ્રાચીન રાસ-ગરબાની રમઝટ બોલશે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે ગરબાનું ઘરે-ઘરે અને મંદિરોમાં સ્થાપન કરવામાં આવ્યુ છે અને પૂજન, આરતી સહિતના કાર્યક્રમો યોજાશે. જ્યારે પ્રાચીન ગરબીઓમાં અવનવા રાસ રજૂ કરાશે.

આજે પ્રથમ દિવસે માં શૈલપુત્રીની આરાધના ભાવિકો દ્વારા કરવામાં આવશે. કોરોના મહામારી પછી પ્રથમ વખત ભાવિકોએ માતાજીના મંદિરોમાં પ્રત્યક્ષ દર્શન કરીને પૂજન, અર્ચન કર્યુ હતું.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ માંડલ ખાતે આવેલા ખંભલાય માતાજીના મંદિરે આગામી દિવસોમાં યોજાનારા ખંભલાય યંત્રમ્ અને દર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે.

માં ના ચરણ કમળમાં આસો સુદ ત્રીજ, તા. ૧૪-૧૦-૨૦૦૭ને ગુરૂવારના રોજ સુવર્ણમાંથી નિર્મિત શ્રી ખંભલાય યંત્રમ્ની પ્રાણ પ્રતિષ્ઠામાંના લાખો નિર્વાણ મંત્ર સાથે સંપન્ન કરવામાં આવી હતી. આ પરમ શકિતશાળી શ્રી ખંભલાય યંત્રમ્ની પૂજા અને દર્શન વર્ષમાં માત્ર એક જ દિવસ થઈ શકે છે. જે પરમ પવિત્ર દિવસ આ વર્ષ તા. ૯-૧૦-૨૦૨૧ શનિવાર આસો સુદ ત્રીજ (નવરાત્રીના ત્રીજા નોરતે) આવશે. આ દિવસનો લાભ લેવા માંગતા સગોત્રી ભાઈઓએ આગલા દિવસે માંડલ ધામ ખાતે પહોંચી તેમજ આ ઉપરાંત આસો સુદ - આઠમના દિવસે માતાજીના એક હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હોય આ હવનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજીમાં આજરોજ પવિત્ર નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે શહેરમાં અર્વાચીન અને પ્રાચીન ગરબીઓ જે રમાઇ રહી છે જેના ભાગરૂપે આજ રાતથી નવરાત્રી મહોત્સવના ભાગરૂપે ૧૦ સ્થાનો ઉપર શેરી ગરબા મહોત્સવ યોજાશે જેમાં પ્રાચીન-અર્વાચીન અને ભુલકા ગરબી દ્વારા માતાજીની આરાધના કરવામાં આવશે.

ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા એ જણાવેલ કે હાલમાં કોરોના મહામારી ના સમયમાં રાજય સરકારએ નવરાત્રી ગાઇડલાઈન મૂકી છે જે નિયમ અનુસાર ધોરાજીમાં શેરી ગરબા ની છૂટછાટ આપી છે જેના માધ્યમથી આજે ધોરાજીમાં અંદાજે ૧૦ જેટલા વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવ યોજાશે જેમાં ભુલકા ગરબી અર્વાચીન અને પ્રાચીન ગરબીઓ માતાજીની આરાધના દ્વારા નવ દિવસ સુધી ગરબી યોજાશે પરંતુ દર વર્ષે યોજાતા ડિસ્કો ડાંડિયા રાસ પ્રોગ્રામ આ વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે માત્ર ને માત્ર સરકારના નિયમ અનુસાર સમાજ દ્વારા યોજાતી ગરબીઓ પણ ૪૦૦ માણસોની મર્યાદામાં છૂટ આપી છે.

(11:44 am IST)