Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

મા ખોડલનો જય જયકાર... કાગવડથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા

શ્રી ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલની આગેવાનીમાં ભાવિકો ભકિતના રંગે રંગાયા : રાજ્ય મંત્રી જીતુભાઇ વાઘાણીની રજતતૂલા

શ્રી ખોડિયાર માતાજીના ગગનભેદી નાદ સાથે નરેશભાઇ પટેલની આગેવાનીમાં પદયાત્રા : જેતપુર : કાગવડ ખોડલધામ ખાતે ભકતીનું ઘોડાપુર ઉમટયું. માતાજીના પ્રથમ નોરતે ટ્રસ્ટના નરેશભાઇ પટેલ, ધારાસભ્ય લલીતભાઇ વસોયા, બાવકુભાઇ ઉંધાડ સહિત સમાજના શ્રેષ્ઠી ભાઇઓ-બહેનો બહોળી સંખ્યામાં માતાજીના ચરણોમાં શીશ નમાવવા સવારથી જ જબરા ઉત્સાહ સાથે કાગવડ ખાતે એકત્રીત થઇ જય ખોડલના નારા સાથે ડી.જે. અને બાળાઓની રાસ મંડળી સાથે પદયાત્રા શરૂ થયેલ જે મંદિરના પટાંગણમાં પહોંચી માતાજીની ભવ્ય આરતી કરેલ. બાદ મંદિરને ધ્વજારોહણ કરેલ સાથે સાથે વેદોકત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ સવારથી શરૂ થયેલ. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ પદયાત્રા કરી માતાજીને ધ્વજારોહણ કરેલ. આ સમગ્ર કાર્યક્રમમાં કોરોનાની ગાઇડ લાઇનનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. (તસ્વીર : કેતન ઓઝા, જેતપુર)(૨૧.૧૮)

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૭ : ભારતના નકશામાં અગ્રેસર સ્થાન પામનાર ખોડલધામ લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર બન્યું છે. મંદિરના પ્રારંભથી અનેક રેકોર્ડ બન્યા છે. મંદિરને મૂર્તિમંત કરવા નરેશભાઇ પટેલે સમગ્ર સમાજને એક તાતણે બાંધી માં ખોડલનું ભવ્યાતી ભવ્ય મંદિરનું નિર્માણ કરેલ. પ્રથમ વર્ષથી દર વર્ષે માની આરાધનાની આસો નવરાત્રીના પ્રથમ નોરતે કાગવડ ગામથી વાજતે ગાજતે પદયાત્રા કરી માં ખોડલને શીર ઝુકાવી ધ્વજારોહણ કરવામાં આવે છે.

આ વર્ષે પણ આજરોજ સવારે ૭ કલાકે ભવ્ય પદયાત્રાનું આયોજન કાગવડ ગામેથી કરવામાં આવેલ. ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલની આગેવાનીમાં માં ખોડલના જયકાર સાથે કરવામાં આવેલ. આ પદયાત્રામાં તમામ ટ્રસ્ટીઓ ઉપરાંત ગામેગામથી અગ્રણીઓ, આગેવાનો, માઇ ભકતો જોડાયા હતા. આ પદયાત્રા ૮ કલાકે મંદિરના પરીસરમાં પહોંચી માતાજીની ભવ્ય આરતી કરવામાં આવેલ. બાદ શાસ્ત્રોકવિધી - મંત્રોચ્ચાર બાદ મંદિરને ધ્વજારોહણ કરવામાં આવેલ. આ સાથે સવારથી જ યજ્ઞ શરૂ કરવામાં આવેલ. નવરાત્રીના ૯ દિવસ દરમિયાન માતાજીની આરતી - સ્તુતી શ્રધ્ધાથી ભકતી કરવામાં આવશે. દરરોજ માતાજીના અવનવા શણગારોથી શણગારાશે. નાની બાળાઓ કળશ ધારણ કરી પદયાત્રાના વધામણા કરેલ. ગામેગામ બનેલ સમિતિ દ્વારા જુદી જુદી સેવાઓ આપવામાં આવે છે, સવારે બધાને ચા-નાસ્તા બાદ બપોરે માતાજીની પ્રસાદીનું આયોજન થયેલ.

આ પ્રસંગે ગુજરાત સરકારમાં તાજેતરમાં કેબીનેટ મંત્રી મંડળમાં સ્થાન પામેલ જીતુભાઇ વાઘાણી જન આશિર્વાદયાત્રા લઇ નીકળતા હોય તેઓ મંદિરે માતાજીને શીશ નમાવવા પધારેલ. તેમનું દાતાશ્રીઓ દ્વારા મંદિરના પરીસરમાં આવેલ રંગમંચમાં રજતતુલા કરવામાં આવેલ. નવરાત્રી દરમિયાન મંદિરને અવનવી લાઇટોથી શણગારવામાં આવેલ હોય રાત્રીના સમયે રોશનીથી ઝળહળી ઉઠે છે. તમામ કાર્યક્રમમાં કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવેલ. અહીં નવરાત્રીનું ભવ્યાતી ભવ્ય આયોજન પણ કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મંદિરના ઉજવાતા પ્રસંગોમાં સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થા જાળવવામાં આવે છે. ટ્રાફિક વ્યવસ્થા હોય ભોજન વ્યવસ્થા હોય કે મંડપ વ્યવસ્થા હોય દરેક વ્યવસ્થામાં સ્વયંસેવકો પોતાની ફરજ બજાવતા હોય છે.

(11:45 am IST)