Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ઉના શહેર-ગ્રામ્યમાં વીજળીના કડાકા-ભડાકા સાથે એક કલાકમાં દોઢથી બે ઇંચઃ વીજળી પડતા બળદ અને બકરીના મૃત્યુ

ગઇકાલે સાંજે ધોધમાર વરસાદ વરસતા આનંદ બજાર અને કોર્ટ પાછળ ૧-૧ ફુટ પાણી ભરાયેલઃ વિજ પુરવઠો ઠપ્પ થયેલ

(નવીન જોષી, નિરવ ગઢીયા દ્વારા) ઉના, તા,. ૭: શહેર-ગ્રામ્યમાં ગઇકાલે સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે એક કલાકમાં દોઢથી બે ઇંચ વરસાદ વરસી જતા આનંદબજાર અને કોર્ટ પાછળ વિસ્તારમાં ૧-૧ ફુટ પાણી ભરાઇ ગયા હતા. તાલુકાના ભાંચા ગામે વીજળી પડતા વિરાભાઇ મણીભાઇ નામના ખેડુતના બળદનું મૃત્યુ થયેલ હતું. નાના સમઢીયાણામાં વીજળી પડતા બકરીનું મૃત્યુ થયેલ હતું.

ઉના શહેર તથા ગ્રામ્ય પંથકમાં ગઇકાલે આખો દિવસ સખત બફારો અને તડકો પડેલ અને સાંજે પ.૩૦ કલાકે પવનની ડમરી ઉડી વિજળીના કડાકા-ભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ વરસવા લાગેલ હતો. અને સાંજ ૭.૦૦ વાગ્યા સુધીમાં ધોધમાર દોઢથી બે ઇંચ વરસાદ વરસી જતા ઉનાના નીચાણવાળા વિસ્તાર વરસીંગપુર રોડ સુર્યમુખી હનુમાન મંદિર તથા કોર્ટની પાછળ તથા આનંદ બજારમાં ૧ ફુટ જેટલા પાણી ભરાઇ ગયા હતા. એસટી બસ સ્ટેશન તળાવમાં ફેરવાઇ ગયું હતંુ. વિજળીના કડાકા થતા વીજ પ્રવાહ બંધ થઇ ગયો હતો. વરસાદ રોકાતા વિજપ્રવાહી શરૂ થયો છે.

ગ્રામ્ય પંથકમાં ધોકડવા, નગડીયા, નીતલી, વડલી, કાંધી, મોટા સમઢીયાળા, નાના સમઢીયાળા, પડા તથા સામતેર-સનખડા-અમોદરા ધોધમાર બે ઇંચ વરસાદ વરસી ગયો છે.

ઉના તાલુકાના નાના સમઢીયાળા ગામે ગામમાં બકરી ઉપર વિજળી પડતા બકરીનું મોત થયું હતું. આ બકરી હમીરભાઇ મુળુભાઇ બાંભણીયા રે.નાના સમઢીયાળાની હોવાનું જાણવા મળે છે. બકરીની સાથે એક મહિલાને પણ વિજળીનો ઝટકો લાગેલ હતો. સાંજે સાત વાગે વરસાદ રોકાઇ ગયો હતો.

(11:46 am IST)