Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

મુન્દ્રા ૨૧૦૦૦ કરોડના ડ્રગ્સ પ્રકરણની તપાસ NIA કરશે

કસ્ટમની ચેકીંગ સામે સવાલો વચ્ચે ડ્રગ્સ કૌભાંડની આતંકવાદ સાથે જોડતી કડીઓ : અફઘાનિસ્તાન, ઇરાન મારફતે ડ્રગ્સ મંગાવનાર વૈશાલી, સુધાકર પાછળ ઇન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડીકેટ : અત્યાર સુધી ૧૦ની ધરપકડ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૭ : મુન્દ્રા અદાણી પોર્ટ ઉપરથી ઝડપાયેલ ૨૧૦૦૦ કરોડ રૂપિયાના ૩૦૦૦ કિલો હેરોઈન ડ્રગ્સ પ્રકરણની તપાસ હવે ફત્ખ્ કરશે. અત્યાર સુધી દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ૩૦૦૦ કિલો જેટલો હેરોઈન ડ્રગ્સ નો આટલો મોટો જથ્થો પ્રથમ વાર ઝડપાયો છે.

આ કેસની તપાસ ડીઆરઆઇ દ્વારા કરાયા બાદ હવે NIA આ સમગ્ર પ્રકરણની તપાસ કરશે. મુન્દ્રા પોર્ટ ઉપર ઈરાન ના અબ્બાસ બંદરેથી ટેલકમ પાઉડર ના નામે બે કન્ટેનરમાં આવેલ ૩૦૦૦ કિલો હેરોઈન ડ્રગ્સ પ્રકરણમાં અત્યાર સુધી ૧૦ આરોપીઓ ઝડપાઈ ચૂકયા છે. જેમાં આયાતકાર દંપતી વૈશાલી, સુધાકર તેમ જ રાજકુમાર પી. ઉપરાંત સિમલાથી અફઘાનીઓ અને દિલ્હીના આરોપીઓ નો સમાવેશ થાય છે. જેમાં એક કઝાખિસ્તાન નો નાગરિક પણ છે.

આ સમગ્ર પ્રકરણમાં ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટ સાથે આતંકવાદની કડીઓ જોડાયેલી હોવાની શંકા છે. ત્યારે NIA જેવી દેશની ટોચની એજન્સી ને તપાસ સોંપાઈ હોઈ સમગ્ર પ્રકરણ ની વધુ ઊંડાણ પૂર્વક તપાસ સાથેની કડીઓ ખુલશે. જોકે, આ બધી તપાસો વચ્ચે મુન્દ્રા પોર્ટ ઉપર તૈનાત કસ્ટમ તંત્ર સામે અનેક સવાલો થઈ રહ્યા છે.

(11:47 am IST)