Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

પોરબંદરમાં પ્રાચીન પરંપરા જાળવી રાખતી માઇક વિનાની માત્ર પુરૂષો માટેની ગરબી

દિવેચા કોળી સમાજની પ્રાચીન ગરબીમાં રમનાર પુરૂષોએ ટોપી પહેરવી ફરજીયાત : પ્રાચીન છંદ મુજબ ગરબા

 

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૭ : આજના આધુનીક ડીઝીટલ યુગમા પ્રાચીન ગરબીઓની સંખ્યા ઓછી થતી જાય છે ત્યારે દિવેચા કોળી સમાજ દ્વારા ભદ્રકાળી ગરબી મંડળમા વર્ષો જૂની પ્રાચીન પરંપરા જાળવીને માઇક વિનાની અને માત્ર માતાજીના છંદના ગરબા સાથે ગરબી યોજાઇ છે.

આ પ્રાચીન ગરબીમા માત્ર દિવેચા કોળી સમાજના પુરૂષો ગરબી રમી શકે. ગરબી રમતી વખતે માથે ટોપી પહેરવી ફરજીયાત છે.

આ ગરબીમા દેશી લોકો વાદ્યો ઝાંઝ પખવાઝ ઢોલ અને હાર્મોનીયમનો ઉપયોગ થાય છે. ગરબીમા બાળકોથી માંડીને મોટી ઉમરના પુરૂષો જોડાય છે અને માતાજી છંદ ગાતા ભદ્રકાળી માતાજીની આરાધના કરે છે.

શહેરમાં વર્ષો પહેલા ગરબીમા માત્ર પુરૂષો ગરબે રમતા હતા. આ પુરૂષો માટેની ગરબી પંચ હાટડીમા નવદુર્ગા ગરબી, વાંદરી ચોકમાં હર્ષદમાતાની ગરબી, ખારવાવાડની ગરબી ઠકકર પ્લોટની ગરબી તેમજ અન્ય સ્થળે ગરબી પુરૂષો માટેની યોજાતી હતી.

શહેરમા પુરૂષો માટેની તમામ ગરબીઓ બંધ થઇ ગઇ છે. શહેરમા એકમાત્ર પુરૂષો માટેની ભદ્રકાળી ગરબી આજે વર્તમાન સમયમા ચાલુ છે.

 

(11:49 am IST)