Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

સુરેન્દ્રનગરના સરલા ગામની મંડળીના ૧ કરોડની ઉચાપત મામલે તપાસનો કોર્ટનો આદેશ

મુળી તાલુકાના સહકારી ક્ષેત્રે ખળભળાટ : ર૦૦૮ થી ર૦ર૦ દરમિયાન જુદા-જુદા સમયે ૧,૧૦,૭૦,પ૩૧ જેટલી નાણાકીય ઉચાપત થયાની લેખિત ફરીયાદ થઇ હતી

(ફજલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૭ : સુરેન્દ્રનગર  મુળી તાલુકાનાં સરલા ગામની જુથ સેવા સહકારી મંડળીમાં રૂ. એક કરોડથી વધુની થયેલી ઉચાપતની ફરીયાદ અંગે મુળી પોલીસને તપાસ કરવા કોર્ટે હુકમ કર્યો છે.

મુળી તાલુકાના સરલા ગામના પ્રવિણભાઈ ગોરધનભાઈ કાવરે મુળી જયુ. મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફરીયાદ કરતા જણાવેલ હતું કે, શ્રી સરલા જુથ સેવા સહકારી મંડળી લી. વાળી મંડળીમાં તા. ૧/૪/૨૦૦૮થી ૧૮/૭/૨૦૨૦ સુધીના સમયગાળામાં આશરે રૂા ૧,૧૦,૭૦,૫૩૧ (એક કરોડ દસ લાખ સિતેર હજાર પાંચસો એકત્રીસ રૂ.) જેટલી મોટી રકમની નાણાકીય ઉચાયત થયા અંગે મુળી પોલીસ સ્ટેશનમાં તા.૧૫/૨/૨૦૨૧ના રોજ લેખીત ફરિયાદ આ૫ી હતી. અને તેની નકલ જીલ્લા પોલીસ વડાને પણ મોકલવામાં આવી હતી. પરંતુ મુળી પોલીસ દ્વારા કે એસ.પી.દ્વારા કોઈપણ પ્રકારના પગલા ન લેવાતા કોર્ટમાં અરજી કરાઈ હતી.

દરમિયાનમાં, મુળી કોર્ટ દ્વારા વકીલને સાંભળી, લગત દસ્તાવેજ ધ્યાને લઈ મુળી પોલીસ સ્ટેશનને અરજદારની ફરીયાદ અંગે જરૂરી પ્રાથમીક દાખલ કરી તે અંગે જરૂરી તપાસ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા કરોડોની ઉચાપત મામલે મુળી પોલીસને તપાસના કરાયેલા આદેશને પગલે સ્થાનિક સહકારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મુળી પોલીસ સ્ટેશનમાં આ ઉચાપત મામલે લેખિત ફરિયાદ થયા પછી પણ કોઇ તપાસ યોગ્ય રીતે હાથ ધરવામાં આવી નહતી તેવો પણ એક આક્ષેપ થઇ રહ્યો છે. 

(1:15 pm IST)