Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

જૂનાગઢ જિલ્લો રાજ્ય કક્ષાએ ઝળકયોઃ CM ડેશ બોર્ડમાં પ્રથમસ્થાને

ડેશ બોર્ડ પર વિવિધ ૪૨ જેટલી સેવાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે

જૂનાગઢ તા.૮:  સરકાર દ્વારા દરેક જિલ્લામાં નાગરિકોની સેવાઓ અને યોજનાકીય સિદ્ધીઓ તેમજ પેન્ડિગ કામગીરી પર દેખરેખ રાખવા મુખ્યમંત્રીશ્રી ના સીધા દેખરેખ હેઠળ સી.એમ. ડેશબોર્ડ કાર્યરત છે. સુશાસન અને ઇ-ગવર્નન્સ ના ભાગરૂપે કાર્યરત ડેશબોર્ડમાં જૂનાગઢ જિલ્લાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જૂનાગઢ જિલ્લાની કામગીરીમાં ઝડપી સુધારો થતાં  પ્રથમ રેન્ક પર જિલ્લાનું સ્થાન આવ્યું છે.

જિલ્લા કલેકટરશ્રી રચિતરાજ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની કચેરીઓમાં લોકોની અરજીઓ ની  પેન્ડસી ઝીરો થાય તેમજ ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ થાય તે માટે સતત માર્ગદર્શન આપવા સાથે વિવિધ કચેરીઓની કામગીરીનું સંકલન થાય તે માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જિલ્લામાં ટીમ વર્ક થી કામગીરીમાં ઝડપી સુધારો આવ્યો છે.

 સી.એમ. ડેશબોર્ડ પર વિવિધ ૪૨ જેટલી સેવાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે. જેમાં ડીજીટલ ગુજરાત અંતર્ગત ઓનલાઇન આવતી અરજીઓનો નિકાલ, વિવિધ સર્ટી કાઢવા, ૧૦૮ ની કામગીરીમાં ઝડપી રિસ્પોન્સ, ગૃહ વિભાગ લગત કામગીરી, સમાજ સુરક્ષા, મહેસુલ સબંધી કામગીરી, મામલતદાર ઓફિસની વિવિધ સેવાઓ,   રેશનકાર્ડ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ કામગીરીમાં જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્રવારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે. 

સી.એમ. ડેશબોર્ડમાં જિલ્લાને પ્રથમ રેન્ક મળતા કલકેટર કચેરી ખાતે  સમીક્ષા બેઠક યોજી કર્મચારીઓ અધિકારીઓને પ્રોત્સાહન આપવા  ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર રચિત રાજે તમામ અધિકારીઓ કર્મચારીઓને અભિનંદન પાઠવી જિલ્લાની  કામગીરી દરેક ક્ષેત્રે શ્રેષ્ઠ રાખવા  અને ટીમ વર્કથી પ્રજાલક્ષી કામગીરીમાં ઉત્તરોતર સુધારો કરવા અને અનુરોધ કર્યો હતો.

(1:16 pm IST)