Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

કેશોદ પંથકમાં પરપ્રાંતીય મજુરોની આવક થવાની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના મહામારી ફેલાવવાની દહેશત વધી

કોરોના વેકસીન લઇને આવ્યા છે કે કેમ એ સવાલ ઉઠ્યો ? શું જવાબદાર તંત્ર તપાસ હાથ ધરશે ?

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૭:કેશોદ શહેર તાલુકામાં ભારે વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં સમગ્ર તાલુકામાં ડેંગ્યૂ તાવ નાં દર્દીઓ દેખાવા લાગ્યાછે ત્યારે મગફળીના પાકની મોસમ ચાલુ થવાનીછે અને પરપ્રાંતીય મજુરોની આવક હજારોની સંખ્યામાં આવવા લાગી છે જેથી કેશોદ પંથકમાં કોરોના મહામારી ફેલાવાની દહેશત વધી રહી છે.

કેશોદ પંથકમાં ખેતીના મજુરી કામો માટે પડોશી રાજયોમાંથી આવતાં શ્રમિકો એ કોરોના વેકસીન લઈને આવ્યા છે કે કેમ એ બાબતે કોઈ પ્રકારની ચોક્કસ તપાસ હાથ ધરવામાં આવતી નથી અને ટ્રાવેલ એજન્ટો ઘેટાં બકરાં ની જેમ એક એક બસમાં સો થી વધારે પરપ્રાંતીય મજુર મુસાફરો ને ભરીને લાવી રહ્યાં છે ત્યારે કોવીડ-૧૯ ની ગાઈડ લાઈન નું પાલન કરવામાં આવતું નથી ત્યારે જવાબદાર તંત્ર સદ્યળું જાણતું હોવાં છતાં આંખ આડા કાન કરી રહ્યું છે. છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે સ્થાનિક બજારમાં મંદીનો માહોલ સર્જાયો છે ત્યારે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે પરપ્રાંતીય મજુરોના આવવાની સાથે ફરીથી કોરોના મહામારી ફેલાશે અને ત્રીજી લ્હેર કે લોકડાઉન જાહેર કરવાની ગંભીર સ્થિતિ સર્જાઈ એ પહેલાં જવાબદાર તંત્ર ગંભીરતાથી પગલાં ભરે એવી માંગ ઉઠવા પામી છે.

કેશોદ શહેરમાંથી પ્રથમ લ્હેર સમયે પરપ્રાંતીય મજુરોને બસો અને ટ્રેનોમાં પરત મોકલવાની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી જેથી વહીવટી તંત્ર પાસે કેશોદ પથંકમાં આવતાં પરપ્રાંતીય મજુરોની સંપૂર્ણ માહિતી છે ત્યારે તાજેતરમાં ફરીથી પરપ્રાંતીય મજુરોની આવક થવાની સાથે સાથે એટલે કે સુપર સ્પ્રેન્ડર તરીકે પરપ્રાંતીય મજુરોને સંભવિત માની આરોગ્યલક્ષી તપાસ અને ચકાસણી કરવી જોઈએ. કેશોદ આરોગ્ય વિભાગ નાં આધારભૂત વર્તુળોમાં થી મળતી માહિતી મુજબ કેશોદ તાલુકાના કેવદ્રા ગામે ત્રણ અને મોવાણા ગામે સાત કોરોના પોઝિટિવ કેસ નજરે આવતાં સારવાર શરૂ કરવામાં આવી છે ત્યારે ટુંકા સમયમાં ઝડપથી મહામારી રોદ્ર સ્વરૂપે ફેલાઈ એ પહેલાં જવાબદાર તંત્ર દ્વારા પરપ્રાંતીય મજુરોને લાવતાં ટ્રાવેલ એજન્ટો વિરુદ્ઘ ચુસ્ત કોવીડ-૧૯ ની અમલવારી કરાવવી જોઇએ અને જરૂરી ચેક પોસ્ટ ઉભી કરી આધારો અને કોરોના વેકસીન લઈને આવ્યા છે કે કેમ એની ચકાસણી સાથે તબીબી રીપોર્ટ ફરજિયાત કરવામાં આવશે નહીં તો આવનારાં દિવસોમાં સમગ્ર કેશોદ પથંકમાં કોરોના મહામારી ફેલાઈ જાય તો નવાઈ નહીં રહે. કેશોદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોસમ પુરી કરી રવી પાક નું વાવેતર કરવાની ઉતાવળ સાથે ખેડૂતો એ પણ કોરોના મહામારી થી બચવા જાગૃત બનવું જોઈએ.

(1:17 pm IST)