Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

મોજશોખમાં દેણુ થઇ જતા મોરબીમાં લુંટ કરી'તીઃ દિલ્હીથી પકડાયેલ બે શખ્સો રીમાન્ડ પર

તસ્વીરમાં લુંટમાં પકડાયેલ શખ્સો નજરે પડે છે

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૭: મોરબીના રવાપર રોડ પર બંદુક બતાવીને આંગડીયા કર્મચારીને લૂંટીને દિલ્હી તરફ નાસી ગયેલા બંને ઈસમો દિલ્હીથી ઝડપાયા હોય જે બંને આરોપીઓનો કબજો મેળવી મોરબી લાવવામાં આવ્યા બાદ કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૧૨ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. પકડાયેલ બંને એ મોજશોખને દેણુ થઇ જતા લુંટ કર્યાની કબુલાત આપી હતી.

મોરબીના પંચાસર રોડ પર રહેતા વસંતભાઈ બાવરવાને રવાપર ચોકડી નજીક આંતરી લઈને બે બાઈકસવાર ઇસમોએ મરચાની ભૂકી છાંટી બંદુક બતાવીને પૈસા ભરેલ થેલામાંથી રોકડ લૂંટનો પ્રયાસ કર્યો હતો અને ભોગ બનનારે પ્રતિકાર કરતા રિવોલ્વર જેવા હથિયાર કાઢી અમુક રકમની લૂંટ ચલાવી આરોપીઓ નાસી ગયા હતા જે બનાવને પગલે પોલીસની વિવિધ ટીમો બનાવી આરોપીઓનું પગેરું મેળવવા તપાસ ચલાવતા આરોપીઓનું પગેરું દિલ્હી અને હરિદ્વાર હોવાનું ખુલતા મોરબી એલસીબી ટીમે દિલ્હી સુધી તપાસ ચલાવી હતી જેમાં આરોપીઓ જયદીપ ઉર્ફે લાલો ઉર્ફે શકિત નાનજીભાઈ પટેલ રહે બંગાવડી તા. ટંકારા અને સંદીપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસિંગ રાજપૂત રહે હાલ સુરત મૂળ યુપી વાળો દિલ્હી ખાતેથી મળી આવતા બંને આરોપીની ઝડતી તપાસ કરવામાં આવી હતી.

જેમાં લૂંટના ગુન્હામાં ઉપયોગ કરેલ હથિયાર અને રોકડ રૂપિયા મળી આવ્યા હોય જેથી દિલ્હી પોલીસ દ્વારા બંને ઈસમો વિરુદ્ઘ ગેરકાયદેસર હથિયાર અંગેનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને રોકડ રકમ રીકવર કરી ધરપકડ કરી હતી જે આરોપીઓનો મોરબી પોલીસે કબજો મેળવી મોરબી લાવવામાં આવ્યા હતા. અને પ્રાથમિક પૂછપરછમાં મોજશોખ પુરા કરવામાં દેવાદાર થઇ જતાં લૂંટને અંજામ આપ્યો હતો.

બંને ઇસમોને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૧૨ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો છે લૂંટમાં ગયેલ ૩.૯૦ લાખની રોકડ રકમ દિલ્હી પોલીસે કબજે કરી હોય જે રકમ મોરબી પોલીસને સોપવામાં આવી છે અને લૂંટની રકમ રીકવર કરવામાં આવી છે તો લૂંટમાં વપરાયેલ બાઈક અને હથિયાર અગાઉ કબજે થઇ ચુકયું છે.

(1:24 pm IST)