Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જામનગર જીલ્લા શહેર કક્ષાએ નવરાત્રી રાસ ગરબા હરીફાઈ તથા કલીન ઇન્ડિયા મૂવમેન્ટનો શુભારંભ કરાયો

જામનગર,તા.૭:ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત કલીન ઇન્ડિયા અને જામનગર જિલ્લા-શહેર કક્ષાના નવરાત્રી રાસ-ગરબા હરીફાઈનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં જામનગર જિલ્લા અને શહેરના ૩૫૦ જેટલા કલાકારોએ ભાગ લીધો હતો. નવરાત્રી રાસ ગરબા હરીફાઈ અંતર્ગત વિવિધ ગ્રુપ દ્વારા પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબા રજુ કરવામાં આવ્યા હતા. આ રાસ-ગરબા સ્પર્ધામાં જામનગર જિલ્લાના ૪૦થી વધુ દિવ્યાંગોએ પણ ભાગ લીધો હતો.

આ સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે જામનગર શહેરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષભાઈ કટારિયાએ કહ્યું હતું કે, નવરાત્રિ એટલે આસુરી શકિત પર દૈવી શકિતનો વિજય, ત્યારે કોરોના મહામારી બાદની આપણી આ નવરાત્રી પણ મહામારીને હરાવીને શકિતનું વિજય પર્વ બનશે. વર્તમાન પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તેમના કાર્યકાળ દરમિયાન ખેલે ગુજરાત, દોડે ગુજરાત, વાંચે ગુજરાત જેવી સાંસ્કૃતિક અને સ્વાસ્થ્યલક્ષી અનેક મૂવમેન્ટ થકી યુવાનોને નવા ક્ષેત્રોમાં આગળ વધવાની તક પૂરી પાડી હતી જેને હાલના મુખ્યમંત્રીશ્રી પણ આગળ વધારી રહ્યા છે.

સમારોહના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારા દ્વારા કલીન ઇન્ડિયા મૂવમેન્ટ અન્વયે સ્વચ્છ જામનગરની પહેલને દર્શાવતા શહેરના ટાઉનહોલ પાસેના રસ્તા પર સફાઈ અભિયાન હાથ ધરી સ્વચ્છ જામનગર, સ્વચ્છ ભારતની મૂહિમમાં નગરવાસીઓને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી વસ્તાણી, પ્રાંત અધિકારી(શહેર) શ્રી આસ્થા ડાંગર, નહેરુ યુવા કેન્દ્રના સંયોજક શ્રી શિખર રસ્તોગી તથા શહેરના વિવિધ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ, અન્ય પદાધિકારીઓ-અધિકારીઓ અને જામનગરની સંસ્કૃતિ પ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર : અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(1:26 pm IST)