Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત રાજકોટ જીલ્લાના ૪૩૨ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ જેતપુર તાલુકાના સૌથી વધુ ૪૭ ગામોનો સમાવેશ

રાજકોટ:કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા રાજકોટ જીલ્લાના ૪૩૨ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણની સિધ્ધિ નોંધાઇ છે, જેમાં જેતપુર તાલુકાના સૌથી વધુ ૪૭ ગામોનો સમાવેશ થાય છે. કોરોનાથી બચવા માટે રસીકરણ એજ શ્રેષ્ઠ ઉપાય છે. તેથી કોરોના સંક્રમણથી બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નગરપાલિકા વિસ્તારના ૭ અર્બન હેલ્થ સેન્ટર અને ૧૨ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, તથા ૫ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે નાગરિકોને રાજયસરકાર દ્વારા મફત વેક્સિન આપવામાં આવી રહી છે. ઉપરાંત દરેક પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. આ રસીકરણ કામગીરી માટે જીલ્લામાં દૈનિક ૩૦૦ જેટલા વેક્સિન સેશન્સનું આયોજન કરવામાં આવી રહયું છે.
    આ કામગીરીનો વેગ વધારવા તથા વધુમાં વધુ લોકોને ઝડપથી રસીકરણનો લાભ મળી રહે તે હેતુથી અશક્ત / વૃધ્ધ કે દિવ્યાંગ લોકોને ઘરે જઈને રસી આપવામાં આવી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અને વાડી વિસ્તારમાં મજૂરીકામ કરતાં કામદારોને એક પણ દિવસની રજા રાખવી ન પડે તે માટે મોબાઈલ ટીમ બનાવી તેઓની અનુકુળતા મુજબ રસીકરણની કામગીરી કરવામાં આવી રહેલ છે.  તા:૬/૧૦/૨૦૨૧ સુધીમાં જિલ્લાના ૪૩૨ ગામોમાં ૧૦૦ ટકા સંપૂર્ણ રસીકરણ કરવામાં આવેલ છે. જેમાં સૌથી વધુ જેતપુર તાલુકામાં-૪૭ ગામોમાં સંપૂર્ણ પણે ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવે છે. જ્યારે અન્ય તાલુકાઓમાં જામ કંડોરણામાં-૪૬, રાજકોટમાં-૮૩, પડધરીમાં-૪૭, લોધિકામાં-૩૫, કોટડામાં-૨૫, ગોંડલમાં- ૪૫, જસદણમાં- ૨૯, વીંછીયામાં-૯, ધોરાજીમાં-૨૮, અને ઉપલેટમાં-૩૮, ગામોમાં ૧૦૦ ટકા સંપૂર્ણ રસીકરણ કરવામાં આવેલ છે. સમગ્ર જીલ્લામાં ૯૨.૨૮ ટકા કામગીરી થવા પામેલ છે. તે મુજબ ૧૦,૩૮,૯૩૦ લોકોએ પ્રથમ ડોઝ અને ૪,૫૪,૭૦૩ લોકોએ બીજો ડોઝ લીધો છે. જીલ્લામાં કોટડા, લોધિકા, પડધરી અને જામકંડોરણા એમ કૂલ ૪ તાલુકામાં પ્રથમ ડોઝનું ૧૦૦ ટકા સંપૂર્ણ રસીકરણ કરવામાં આવેલ છે.  
  આ રસીકરણ કરાવનાર જાગૃત નાગરિકોએ પોતાની જાતને સુરક્ષિત કરી પોતાના કુટુંબને પણ સંક્રમણથી બચાવ્યું છે. તે બદલ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. અને રસી અંગેની ખોટી માન્યતાઓ કે અફવાથી ન ભરમાવા અનુરોધ કરાયો છે. આ રસીની આડ અસર નહિવત છે. તેથી તમામ લોકોને આ રસીકરણનો લાભ લેવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા ખાસ ભાર પૂર્વક અપીલ કરાઇ છે.

(7:28 pm IST)