Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

મોરબી પુલ દુર્ઘટના ભુલાઇ ગઇ ? હજુ સુધી ન્‍યાય ન મળતા અસરગ્રસ્‍તોમાં રોષ

અમે અમારી મતદાનની જવાબદારી બજાવી હવે સરકાર અમને ન્‍યાય આપવાની જવાબદારી નિભાવે : મુખ્‍ય જવાબદાર જયસુખ પટેલ અને નગરપાલિકાના જવાબદારો સામે કાર્યવાહી ન થવા સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્‍યો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૭ :વિધાનસભાની ચૂંટણીએ મોરબીની કાળજું કંપાવી દેનાર અને સૌથી મોટી ગોઝારી ઝૂલતાપૂલ તૂટવાની દુર્ઘટનાને ભુલાવી દીધી છે. પણ આ દુર્ઘટનામાં જે જે લોકોએ આખો પરિવાર કે સ્‍વજનો ગુમાવ્‍યા છે તેમનો વલોપાત અને વેદના હૈયું હમચાવી દે તેવી છે. ઘણા પરિવારનું સર્વસ્‍વ લૂંટાય ગયું એવી ગોઝારી ઘટનાના એક માસ વીતવા છતાં ન્‍યાય ન મળ્‍યાનો ભારે અંજપો છે. વિપક્ષ અને સરકાર અસરગ્રસ્‍તોને ન્‍યાય આપવા હજુ કોઈ ઠોસ કદમ ઉઠાવ્‍યા નથી. ત્‍યારે આવા અસરગ્રસ્‍તો કહે છે કે, અમે અમારી મતદાન આપવાની જવાબદારી નિભાવી તેમ સરકાર પણ અમને ન્‍યાય આપવામાં પુરી નિષ્ઠાથી કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

ન્‍યાય આપવાની જવાબદારી નિભાવી જોઈએ

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્‍તારમાં આવેલ વરિયાનગરમાં રહેતા જગદીશભાઈ વશરામભાઈ મકવાણા કહે છે કે, પુલ દુર્ઘટનામાં તેમના પુત્ર ગિરીશ, તેમના ભાઈ મહેશભાઈ અને મહેશભાઈનો પુત્ર યુવરાજને ગુમાવ્‍યા છે. મહેશભાઈની પત્‍નીનું અગાઉ અવસાન થયું હોય હવે તેમનું અને તેમના પુત્રનું અવસાન થતાં મહેશભાઈની પુત્રી વંદના નોંધારી છે. આ દુર્ઘટનાએ અમારૂં બધું જ છીનવી લીધું છે. આ આઘાત જીરવવો મુશ્‍કેલ છે. આવી સ્‍થિતિમાં પણ અમે પરિવારના સભ્‍યોએ લોકશાહીને માન આપીને મતદાન કર્યું છે.ત્‍યારે સરકારની પણ જવાબદારી બને છે કે અમને પૂરેપૂરો ન્‍યાય મળે.

કદાચ દોષિતને સજા મળે તો પણ માતાપિતાની છત્રછાયા પાછી મળવાની નથી

મોરબીના સીએ હાર્દિકભાઈ અશોકભાઈ ફળદુ અને તેમના પત્‍નીનો પુલ દુર્ઘટનામાં ભોગ લેવાયો હતો. જો કે તેમનો નાનકડો પુત્ર જિયાંસ બચી ગયો હતો. આ બાળકે નાની ઉંમરે માતાપિતાની છત્રછાયા ગુમાવતા તે નોંધારો બની ગયો છે. આથી આ બાળકને હાલ તેના હળવદ રહેતા ફઈ-ફુવા પોતાના પુત્રની જેમ જ ઉછેરવાની જવાબદારી નિભાવી છે. જેમાં આ બાળકના ફુવા ભાવેશભાઈ ભણજીભાઈ રાબડીયા કહે છે કે મતદાન તો આપણો અધિકાર છે એટલે એ ફરજ તો અમે બજાવી દીધી છે. જો કે આ દુર્ઘટનામાં જે જે દોષિત છે તેને કદાચ સરકાર આકરી સજા આપે તો પણ અમારા આ બાળકના માતા-પિતા પાછા આવવાના નથી. પણ સરકારે આ ઘટનામાં દાખલા રૂપ કાર્યવાહી કરી ફરી વખત કોઈ નવા જાહેર સાહસોને ખુલ્લા મુકતી વખતે તેની ગુણવત્તા ચકાસીને પછી નિયમનું ચુસ્‍તપણે પાલન કરાવવું જોઈએ જેથી ફરી વખત આવી ક્‍યારેય દુર્ઘટના ન બને.

ત્રણેય પુત્રો ગુમાવતા અમારૂં

સર્વસ્‍વ લૂંટાઈ ગયું : હવે જવાબદારો

સામે કાર્યવાહી થવી જ જોઈએ

મોરબીના સામાંકાંઠે નઝરબાગ રેલવે સ્‍ટેશન પાછળ આવેલ બૌદ્ધનગરમાં રહેતા રાજુભાઇ મનુભાઈ મુછડિયાએ તેમના ૧૬થી ૨૦ વર્ષના ત્રણ પુત્રો ચિરાગ, ધાર્મિક અને ચેતનનો ઝૂલતાપૂલની દુર્ઘટનામાં ગુમાવ્‍યા હતા. તેઓ કહે છે કે હું સામાન્‍ય મજૂરી કામ કરૂં છું. મારો નાનકડો પુત્ર ધો. ૧૦જ્રાક્રત્‍ન ભણતો હતો. અન્‍ય બે પુત્રો આર્થિક રીતે હજુ પગભર થવાની મહેનત કરતા હતા અને તેમને પરિવારમાં માત્ર આ ત્રણ પુત્રો જ હતો એ હવે આ દુનિયામાં ન રહ્યા હોવાથી તેમના પરિવારનું સર્વસ્‍વ લૂંટાઈ ગયું છે. આ દુર્ઘટના મંજૂરી વગર પુલ ખુલ્લો મુકનાર જયંસુખ પટેલ તેમજ મંજૂરી વગર પુલ ખુલ્લો મુક્‍યા બાદ કાર્યવાહી ન કરનાર નગરપાલિકાના જવાબદારો સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.

અમારા પરિવારના છ સભ્‍યો હોમાય ગયા હોય સરકાર પાસે તટસ્‍થ ન્‍યાયની અપેક્ષા

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્‍તારમાં આવેલ વરિયાનગરમાં રહેતા મીરા મહેબૂબભાઈ ગુલઝારભાઈના પરિવારના છ સભ્‍યોમાં તેમના બેન રૂકસાનાબેન રસુલભાઈ ચૌહાણ, બીજા બેન રોશનબેન ઇલીયાસ પઠાણ, બેનની દીકરી સાનિયા રસિકભાઈ ચૌહાણ, તેમની દીકરી નફિસાબેન મહેબૂબભાઈ મીરા,રોશનબેનની દીકરી, મહંમદ દાનિશઇલીયાસ પઠાણએ પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવ્‍યો હતો. તેઓ કહે છે કે, મારી દીકરી નફીસાનો સગાઈનો પ્રસંગ હોવાથી આ બધા પુલ ઉપર ફરવા ગયા ત્‍યારે આ દુર્ઘટનામાં અમારા પરિવારના છ વ્‍યક્‍તિઓ ગુમાવ્‍યા છે. અમે મતદાનની બધા પરિવારજનોએ ફરજ બજાવી છે. આવી ઘટનામાં સરકારે જે માનવ મૃત્‍યુની કિંમત ૪ લાખની આંકી તે કોઈ કાળે યોગ્‍ય નથી. માનવ જિંદગી અણમોલ હોય સરકારે બચેલા પરિવારો યોગ્‍ય રીતે જીવન નિર્વાહ કરી શકે તેવું સન્‍માન જનક વળતર ચૂકવવું જોઈએ અને જે જે મોટા માથા સંડોવાયેલા હોય તેનો ભ્રષ્ટાચાર બહાર લાવી બેનકાબ કરીને ન્‍યાયિક તપાસ કરવી જોઈએ.

ખરેખર સાચા ગુનેગારોને સજા મળે ત્‍યારે જ સાતકોડની દીકરીને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે

મોરબીના સામાકાંઠે રહેતી આયબા દેવરાજભાઈ ગઢવી નામની ૧૧ વર્ષની દીકરી તેની માતા અને ભાઈ સાથે પુલ ઉપર ફરવા ગઈ હતી. ત્‍યારે પુલ તૂટી પડતા આ દીકરીએ જીવ ગુમાવ્‍યો હતો. જયારે માતા-પુત્રનો બચાવ થયો હતો.આ હતભાગી દીકરીના માસી સોનલબેન ગઢવી કહે છે કે આ દીકરીબા તેના પરિવાર સાત ભાઈની એક ની એક બહેન હતી અને સાત કોડની દીકરી હોવાથી આખા પરિવારમાં બધાને વ્‍હાલી હતી. ત્‍યારે આવી દુઃખદ ઘટના વચ્‍ચે પણ બધા પરિવારજનોએ મતદાનની ફરજ અદા કરી હતી. હવે સરકારની જવાબદારી બને છે કે આ ઘટનાની તટસ્‍થ તપાસ કરે તેમજ ખરેખર જે સાચા ગુનેગાર છે તેને સરકાર પકડીને કડક સજા આપે ત્‍યારે જ અમારી સાત કોડની દીકરી સહિત તમામ મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.

(10:27 am IST)