Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

મોરબીના નાની કેનાલ રોડ પર મસમોટો ભુઓ

મોરબી તા. ૭ : મોરબી પંથકના રહીશોને સારા રોડ રસ્‍તાની ભેટ મળી નથી માંડ કરીને તંત્રને નવો રોડ બનાવવાનું મુર્હત આવે તો પણ રોડ લાંબો સમય સુધી ટકતા નથી આવી જ સ્‍થિતિ નાની કેનાલ રોડ પર જોવા મળે છે જ્‍યાં સીસી રોડમાં રોડની વચ્‍ચોવચ મસમોટું ગાબડું પડી ગયું છે જેથી અહીંથી પસાર થતા વાહનચાલકો માથે અકસ્‍માતનું જોખમ લટકી રહ્યું છે.

પંચાસર રોડ જવાના રસ્‍તે આવતા નાની કેનાલ રોડ પર નવો સીસી રોડ બનાવવામાં આવ્‍યો છે પરંતુ રોડની ગુણવત્તા નબળી કહો કે પછી ઓવરલોડ વાહનોનો ત્રાસ, અહીંથી પસાર થતા ભારે વાહનોને પગલે રોડના વચ્‍ચે મસમોટું ગાબડું પડી ગયું છે જે ગાબડું એવડું મોટું છે કે કાર અને બાઈક તેમાં અંદર ખાબકી સકે છે વળી જે જગ્‍યાએ ગાબડું પડ્‍યું તે જોતા રોડના કામની ગુણવત્તા સામે પણ સ્‍થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે અને રોડની વચ્‍ચે ગાબડું પડતા અહીંથી પસાર થતા વાહનચાલકોને સતત ભયના ઓથા હેઠળ પસાર થવું પડે છે ત્‍યારે તંત્ર તાકીદે ગાબડું પૂરવા યોગ્‍ય કામગીરી કરે અને રોડની ગુણવત્તા અંગે ચકાસણી કરી જવાબદાર  વિરુદ્ધ કાર્યવાહી કરવા સ્‍થાનિકોએ માંગ કરી છે.

(1:22 pm IST)