Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

જામનગરમાં જયેશ પટેલ અને યશપાલ જાડેજાને ફસાવવા માટે નિશા ગોંડલીયાએ બિલ્‍ડર જીતેન્‍દ્ર ઉર્ફે લાલાભાઇ ગોરીયાને કહીને પોતાની ઉપર ફાયરીંગ કરાવ્‍યુ હતુ અને આરોપ જયેશ પટેલ અને યશપાલ જાડેજા ઉપર નાખ્‍યો હતોઃ એટીએસ દ્વારા બે શખ્‍સોની પૂછપરછમાં ખુલાસો

અમદાવાદ: ગુજરાત એટીએસની ટીમે બે આરોપીને ઝડપી લેતા નિશા ગોંડલીયા પર થયેલા ફાયરિંગ કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. પકડાયેલા આરોપીઓએ ખુલાસો કર્યો છે કે, વિરોધી જયેશ પટેલ અને યશપાલ જાડેજાને ફસાવવા માટે નિશા ગોંડલીયાએ બિલ્ડર જીતેન્દ્ર ઉર્ફ લાલાભાઈ ગોરીયાને કહી પોતાની પર ફાયરિંગ કરાવ્યું અને આરોપ જયેશ પટેલ અને યશપાલ જાડેજા પર નાંખ્યો હતો.

ગુજરાત એટીએસ અને દેવભૂમિ દ્વારકા એસસોજીની ટીમે ઉજાલા સર્કલ એસજી હાઇવે પરથી બિલ્ડર જીતેન્દ્ર ઉર્ફ લાલાભાઈ ગોરીયાના ડ્રાઈવર અયુબ અબ્બાસ દરજાદા (ઉં,36)રહે, લીમડા લાઈન શેરી નંબર 1 દાવડા મેન્સન, ગુરુદ્વારા પાસે, જામનગર અને મુકેશ ઉર્ફ મુકેશ સિંધી જાનીભાઈ શર્મા (ઉં,39)ની ફાયરિંગમાં વપરાયેલી કાર, પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી.

એટીએસના અધિકારીઓ સમક્ષ પકડાયેલા બન્ને આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે, જયેશ પટેલ અને યશપાલ જાડેજા સાથે જામનગરના બિલ્ડર જીતેન્દ્ર ઉર્ફ લાલાભાઈ ગોરીયા અને નિશા ગુલાબભાઈ ગોંડલીયાને આર્થિક લેવડદેવડ બાબતે તકરાર હતી. આથી નિશા ગોંડલીયાએ બિલ્ડર જીતેન્દ્ર ગોરીયાને પોતાની પર ફાયરિંગ કરાવવા માટે દબાણ કર્યું હતું. જે મુજબ જીતેન્દ્ર ગોરીયાએ તેના માણસો અયુબ અને મુકેશને સફેદ ઇનોવા ગાડી અને પિસ્તોલ આપી નિશા બહેન જામખંભાળીયા આરાધના ધામ સિદ્ધિ હોટલ પર પોતાની વરના કારમાં જમવાનું લેવા જાય ત્યારે ફાયરિંગ કરવા સૂચના આપી હતી.

જે મુજબ બન્ને આરોપીઓએ એક ફાયરિંગ નિશાની કાર પર, બીજું હવામાં કર્યું તેમજ પિસ્ટલનો બટ્ટ માથામાં મારી ઈજાઓ કરી હતી. હુમલા બાદ યોજના મુજબ નિશા ગોંડલીયાએ વાડીનાર મરીન પોલીસ સ્ટેશનમાં પોતાની પર થયેલા હુમલાની ફરિયાદ ગત તા.29-11-2019ના રોજ આપી જેમાં જયેશ પટેલ અને યશપાલ જાડેજાના નામ લખાવ્યા હતા.

(4:56 pm IST)