Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ઉપલેટા એસ.ટી. તંત્ર દ્વારા ઢાંક ગામને અન્‍યાયઃ નાઇટ હોલ્‍ટની એક માત્ર બસનો રૂટ વારંવાર કપાતા રોષઃ આંદોલનની ચિમકી

(પંકજગીરી ગૌસ્‍વામી દ્વારા) ઢાંક તા. ૮ :.. ઉપલેટા તાલુકાનાં ઢાંક ગામ દસેક હજારની વસ્‍તી ધરાવતુ ઉપલેટા તાલુકાનું વસ્‍તીની દ્રષ્‍ટિએ મોટુ ગામ હોવા છતાં પણ ઉપલેટા એસ. ટી. ડેપો દ્વારા ઢાંકની નાઇટ હોલ્‍ટની એક માત્ર બસ જે ઢાંક, ગધેથડ, અને નાગવદર એમ ત્રણે દિવસમાં એકવાર કાપી નાખવામાં આવે છે.

આ બસમાં ત્રણેય ગામના મુસાફરો આવતા હોવાથી બસ ને મુસાફરો પુરતા પ્રમાણમાં મળી રહે છે છતાં પણ એસ. ટી.ના નિંભર તંત્ર દ્વારા ઢાંક પ્રત્‍યે આવો અન્‍યાય કેમ કરવામાં આવે છે તેવો પ્રશ્ન મુસાફરો કરી રહ્યા છે. એકમાત્ર બસ જે આખા દિવસમાં ઢાંકમાં ઉપલેટાથી -ઢાંક ચાર વખત અપડાઉન કરે છે. આ બસ બંધ થતા ઢાંકમાં બપોર બાદ મુસાફરોને જવા-આવવા માટે એકપણ બસ મળતી નથી બીજા દિવસે સવારેના ૧૦ વાગ્‍યા સુધી બસ મળતી નથી. રોજીરોટી માટે અપ-ડાઉન કરતા મુસાફરોને તકલીફ પડી રહી છે. ગાયત્રી આશ્રમ તથા ગણેશ મંદિરે આવતા ભકતોને માટે પણ આ બસ ઉપયોગી થાય છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ બે થી ત્રણ દિવસે કાપી નાખતા મુસાફરો રઝળી ઉઠે છે. વહેલી તકે ઉપલેટા-ઢાંક નાઇટ હોલ્‍ટની બસ રેગ્‍યુલર ચાલુ નહી રાખે તો ગાંધી ચિંંધ્‍યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એવી વાત મુસાફરો કરી રહ્યા છે.  

(10:28 am IST)