Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

સોમનાથ શાક બજારમાં શિયાળાના સમ્રાટ ‘ઓળા'ના રીંગણાનું આગમન

ગીર અને સોમનાથ પંથકમાંના ઓળાના રીંગળાથી બનતો ઓળો અનેક શહેરોની થાળીમાં પીરસાય છે

(મીનાક્ષી-ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ, તા. ૮ :. સોમનાથની શાક બજાર હવે શિયાળાના ઋતુનો રાજા ઓળાના ગોળમટોળ, જાંબલી રંગના લીસા અને ચમકતા રીંગણાઓથી ઠલવાઈ રહી છે. મોસમના આ રીંગણાનો દબદબો એવો છે કે બે ઘડી હથેળીથી લીસી સપાટી પસવારવાનું મન થઈ જાય  અને ખાવ તો ટેસડા જ ટેસડા જ.

જલંધર ગીરના ઓર્ગેનીક ખેડૂત માનસિંગ વાઢેર કહે છે ચોરવાડ, માળીયા, ગડુ અને તાલાલાગીર તથા સોમનાથના રીંગણા ઓળા બનાવવા માટે વખણાય છે. તેમા પણ જો ઓર્ગેનીક અને કાંટા ડીટીયાવાળા સૌથી ઉત્તમ આમ તો ગુજરાતમાં અનેક ગામોમાં રીંગણા ઉગતા હોય છે, પરંતુ અહીંના રીંગણાની મીઠાસ, સ્‍વાદ, ગુણ, સ્‍વરૂપ અનોખુ જ હોય છે તેથી શિયાળામાં અહીંથી ગોંડલ, રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ સુધી જાય છે અને પંચતારક હોટલમાં કે સાસણ સિંહ દર્શન કરવા આવેલા પર્યટકોમાં કે હાઈ-વેના ધાબાઓમાં ઓળો, રોટલા, લસણની લાલચટક ચટણી-ડુંગળીના પતીકાઓ, રાય અને તળેલા લાલ મરચા, ગોળનો ગાંગડો અને માખણ પીંડો કે છાશ ખાવાની મજા ગીર અને સોમનાથમાં વાવેતર થયેલા રીંગણાનો જ અનેરો સ્‍વાદ હોય છે.

હવે તો સામાન્‍ય ઘરો અને હોટલોમાં ગેસના ચુલાઓ ઉપર ઓળાના રીંગણાને સેકાય છે પરંતુ હજુ કેટલાય ગ્રામ્‍ય વિસ્‍તારો અને વાડીઓમાં બકડીયામાં કે ત્રણ પાણાનો મંગાળો કરી તેના ધગધગતા તાપમાં ઓળો સેકાય છે.

સેકેલા રીંગણાની ઓળાની ફોતરીઓ જાણે કોઈ આનંદી ભોજન બનવાનું હોય તેમ નજાકતથી તેની ફોતરીઓ ઉતારાય છે, પછી તેના ગરભને ઠામમાં સેકી તેલનો વઘાર કરી પછી હળદર, મીઠુ, લીલુ લસણ, મરચુ પ્રમાણસર તેલ સાથે હલાવી ઉપર લીલીછમ કોથમીરની પાંદડીઓ વેરી બનતો ઓળો શિયાળામાં ગરમાટો આપતુ આરોગ્‍ય રક્ષક ખાણુ છે.

(10:32 am IST)