Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

બગસરા પ્રાંત ઓફિસ સાથે વડિયા તાલુકાનું જોડાણ ન કરવા ગ્રામ પંચાયતના નેજા હેઠળ આવેદનપત્ર

ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સાથે મળીને રજુઆત : અમરેલી પ્રાંત નીચે જ વડિયાને યથાવત રાખવા માંગણી

(ભીખુભાઇ વોરા દ્વારા)વડિયા,તા. ૮:  ધારી પેટા ચૂંટણીમાં બગસરાને નવી પ્રાંત ઓફિસ ફાળવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેરાત કરાઈ હતી. આ સીટમાં ભાજપના ઉમેદવારની જીત થતા બગસરાને નવી પ્રાંત ઓફિસ ફાળવવાની હિલચાલ શરૂ થતા જ વડિયા કુંકાવાવ તાલુકો કે જે અમરેલી પ્રાંત નીચે આવે છે તેમાં વિરોધ નો વંટોળ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે અમરેલી જિલ્લાની તમામ કચેરીઓ, મુખ્ય પક્ષની ઓફિસ, હોસ્પિટલ સુવિધાઓ, જિલ્લા કોર્ટ, જિલ્લા પોલીસનુ વડુમથક અમરેલી આવેલું હોવાથી જો બગસરા ને પ્રાંત ઓફિસ ફાળવવા માટે વડિયા કુંકાવાવ તાલુકાનો સમાવેશ અમરેલી માંથી ખસેડીને બગસરામા કરવામાં આવે તો વડિયા વિસ્તારના લોકોને ખાસ કામ માટે બગસરા ધક્કા પડે એમ છે. આ ઉપરાંત અન્ય કચેરીઓ અમરેલી આવેલી હોવાથી વડિયા -કુંકાવાવ -બગસરા -અમરેલી આમા ચાર મથકો વચ્ચે ધક્કા ખાવા પડે એવી નોબત આવે તેમ હોવાથી આ બાબતે વડિયાના ઉપસરપંચ છગનભાઇ ઢોલરીયાની આગેવાનીમાં વડિયા ગ્રામપંચાયતના નેજા હેઠળ ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સાથે મળી ને વડિયા મામલતદાર પ્રશાંત ભીંડીને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. આ આવેદનપત્ર આપવા માટે વડિયા ઉપ સરપંચ છગનભાઇ ઢોલરીયા, પૂર્વ સરપંચ વિપુલ રાંક, ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ મિતુલ ગણાત્રા, ચેતન દાફડા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ધર્મેન્દ્ર પાનસુરીયા, શહેર કોંગ્રેસના દિલીપભાઈ શીંગાળા, નિલેશ પરમાર, મયુર દેસાઈ વગેરે દ્વારા કોરોના ગાઇડલાઇનના પાલન સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આ બાબતે મામલતદાર પ્રશાંત ભીંડી દ્વારા યોગ્ય રજુઆત ઉપરી કક્ષાએ કરવાની ખાત્રી આપી હતી.

(10:36 am IST)