Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

વાપી, વલસાડ, ડાંગ પંથકમાં વરસાદ સાથે માવઠુઃભરશિયાળે અષાઢી માહોલ

પ્રજાજનો અવઢવમાં સ્‍વેટર પહેરવું કે રેઈનકોટઃ પાકને ભારે નુકશાનઃ જગતનો તાત ફરી ચિંતામાં

(જીતેન્‍દ્ર રૂપારેલીયા), વાપી,તા.૮: વાપી... વલસાડ... ડાંગ સહીતનાં વિસ્‍તારમાં વરસાદ સાથે માવઠાને પગલે જનજીવન ખોરવાયું છે તો પાકને નુકસાનને પગલે જગતનો તાત ફરી ચિંતામાં મુકાયો છે.

 હવામાન ખાતા એ કરેલી આગાહી અનુસાર છેલ્લા ચારેક દિવસથી સાઉથ ગુજરાતનાં કેટલાક વિસ્‍તારમાં માવઠુ હતું.. અને એવામાં આજ વહેલી સવારથી સંઘ પ્રદેશનાં દમણ અને દાદરા નગર હવેલી તેમજ વાપી... ઉમરગામ... વલસાડ... ડાંગ સહીતનાં વિસ્‍તારમાં શીત લહેર સાથે વરસાદ શરૂ થતાં જનજીવન ખોરવાયું છે.

 એટલું જ નહીં એક બાજુ ઠંડી અને એની સાથે વરસાદને પગલે તાપમાનનો એકદમ નીચે ઉતરી ગયો છે.

સૂર્યદેવની ગેરહાજરી વચ્‍ચે હિલ સ્‍ટેશન જેવુ વાતાવરણ સર્જાયું છે. પ્રજાજનો મૂંઝાયા છે કે સ્‍વેટર પહેરવું કે રેઇનકોટ.

જયારે બીજી બાજુ આ માવઠા તેમજ વરસાદને પગલે શિયાળુ પાક તેમજ શાકભાજી સહીતનાં પાકોને ભારે નુકસાન થશે જેને પગલે જગતનો તાત ચિંતિત બન્‍યો છે

આ લખાઈ રહ્યું છે ત્‍યારે એટલે કે સવારે ૧૦ કલાકે વાપી સહિતનાં વિસ્‍તારમાં વરસાદ તુટી પડતાં ભરશિયાળે અષાઢી માહોલ સર્જાયો છે.

(11:15 am IST)