Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ભાવનગરમાં ૬૬ શિક્ષણ સહાયકોને નિમણુંક હૂકમો એનાયત

ભાવનગર તા.૮ : શહેરની માજીરાજબા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ૬૬ શિક્ષણ સહાયકોને શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે નિમણૂક હુકમપત્રો એનાયત કરવાના કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

શિક્ષકની જવાબદારી ખુબ પવિત્ર અને એશ્વર્યવાન છે તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આ જવાબદારી થકી શિક્ષકો સેંકડો ડોકટર, એન્જિનિયર અને વૈજ્ઞાનિકો ઉભા કરી શકે છે. શિક્ષણનો વ્યવસાયએ અર્થ ઉપાર્જનનો નથી પરંતુ લોકસેવાનો પવિત્ર વ્યવસાય છે અને તેથી જ શિક્ષક એ હંમેશા આદર્શ હોય છે.

કોરોના કાળમાં શિક્ષકોએ કરેલ શૈક્ષણિક તથા અન્ય કામગીરીને મંત્રીશ્રીએ બિરદાવી હતી અને જણાવ્યું હતું કે લોકડાઉનના ગાળામાં શિક્ષણનું જે નુકસાન થયું છે તે સ્વૈચ્છિક રીતે ભરપાઈ કરી શિક્ષકો કાર્યનિષ્ઠાનું ઉત્ત્।મ ઉદાહરણ પુરૂ પાડે. આ માત્ર નિમણૂકના હુકમો નથી પરંતુ સાથે સાથે સમાજ સેવા માટેના પણ હુકમો છે.

આ પ્રસંગે નિમણૂક પામેલા ક્રિષ્નાબહેન તેમજ દર્શનાબહેને પોતાનો અભિપ્રાય આપતાં જણાવ્યુ હતુ કે કોરોના કાળમાં જયારે કોઈપણ રાજયમાં ભરતી ન હતી ત્યારે રાજય સરકારે આવા કપરા સમયમાં પણ ભરતી કરી અમારી મહેનત અને પરિશ્રમ સાર્થક કર્યા છે. ગુણવત્ત્।ાયુકત શિક્ષણ આપવા રાજય સરકારે પારદર્શક ભરતી કરી યુવાનોને ઉત્ત્।મ ભવિષ્ય આપ્યું.

આ પ્રસંગે નાયબ નિયામક આર.આર.પટેલ, ડી.ઇ.ઓ. એન.જી.વ્યાસ, તાલીમ ભવનના પ્રાચાર્ય હિરેન ભટ્ટ, મામલતદાર ધવલ રવીયા, ઇ.આઇ. મહેશ પાંડે, શ્રી પ્રતિપાલસિંહ, શ્રી વી.પી.પરમાર, મોડેલ સ્કુલ આચાર્ય બોરીચા, માજીરાજબા સ્કુલ આચાર્ય પ્રિતીબેન સંઘવી સહિતના મહાનુભાવો, અધિકારીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

(11:39 am IST)