Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી બન્યા

પ્રદેશ સ્તરે સંગઠન ક્ષેત્રે કચ્છને મળેલી આ સર્વોત્તમ ઉપલબ્ૅધીઃ પૂર્વ સંગઠન મંત્રી અને સવાયા કચ્છી એવા પ્રદિપસિંહ વાઘેલાની પણ મહામંત્રી પદે નિમણુંક

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૮: કચ્છના યુવા સાંસદ અને તાજેતરમાં જ જેમને રાષ્ટ્રના સૌથી વ્યવહાર કુશળ સાંસદ તરીકેનું બિરૂદ મળ્યું છે એવા વિનોદભાઇ ચાવડાની આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ દ્વારા પ્રદેશ ભાજપ મહામંત્રીના પ્રતિષ્ઠત પદે નિમણુંક કરવામાં આવી છે. તેમની વરણી બદલ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

કચ્છ ભાજપ સંગઠનના ઇતિહાસમાં પ્રદેશ સ્તરે સંગઠન ક્ષેત્રે મહામંત્રી પદ મળ્યું હોય એવો આ પ્રથમ દાખલો છે. સાંસદ વિનોદભાઇ ચાવડાની કાર્ય કુશળતા અને પક્ષ અને પ્રજા પ્રત્યેના આગવા સમર્પણ ભાવ થકી તેઓને આવો ગૌરવપૂર્ણ હોદો પ્રાપ્ત થયો છે. કચ્છના સૌથી યુવાન સાંસદ તરીકે સતત બીજી ટર્મમાં કાર્યભાર સંભાળતા વિનોદભાઇ ચાવડાએ હંમેશા પ્રજાની પડખે રહીને કચ્છના અનેક લોક પ્રશ્નોની સક્રિયપણે કેન્દ્રમાં રજુઆતો કરતા રહીને તેના સકારાત્મક પરિણામો મેળવ્યા છે.

આ ઉપરાંત પ્રદેશ ભાજપ મંત્રી અને તાજેતરમાં જ સંપન્ન થયેલી અબડાસા વિધાનસભા પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવારને વિજયી બનાવવામાં જેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી અને હાલમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં કચ્છના ઇન્ચાર્જ એવા પ્રદિપસિંહ વાઘેલાની પણ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકેની નિમણુંક કરવામાં આવી છે. પ્રદિપસિંહ વાઘેલા પોતાના વિદ્યાર્થીકાળથી કચ્છ સાથે સતતપણે ઘરોબો કેળવતા રહીને કચ્છના છેવાડાના કાર્યકર્તા સાથે પણ વ્યકિતગત પરિચય ધરાવીને સવાયા કચ્છી તરીકેની તેમની પ્રતિભા ઉપસાવી છે.

ઉપરોકત વરણીની જાહેરાત બાદ સાંસદ વિનોદભાઇ ચાવડા જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે પધાર્યા હતા જયાં પ્રમુખ કેશુભાઇ પટેલ, ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ રાહુલભાઇ ગોર, ભુજ શહેર ભાજપ પ્રમુખ શીતલભાઇ શાહ સહિતના કાર્યકરોની ઉપસ્થિતિમાં તેમનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો જયાં સર્વે કાર્યકર્તાઓએ તેમને આવકારી, અભિનંદન પાઠવી ભવિષ્યમાં તેમની ઉજવળ કારકીર્દી માટે શુભેચ્છાઓ વ્યકત કરી હતી.

સન્માનનો પ્રતિભાવ આપતા વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, મારા જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અદના કાર્યકરને આટલી મોટી જવાબદારી આપવી એ ભારતીય જનતા પક્ષની વિચારધારાને આભારી છે. પક્ષે મને આપેલી જવાબદારીનું હું સદૈવ નિષ્ઠાપૂર્વક વહન કરતો રહીશ અને પક્ષના વડીલોએ સ્થાપેલી શિસ્ત અને સંગઠનની ઉજળી પરંપરાને આગળ વધારવામાં સતતપણે પ્રયત્નશીલ રહીશ.

તેઓની વરણી બદલ સમગ્ર કચ્છ જિલ્લા ગર્વની લાગણી અનુભવે છે અને તેઓને ચારે કોરથી શુભેચ્છાઓ પ્રાપ્ત થઇ રહી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

(11:42 am IST)