Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

રાજકોટનો પટેલ યુવાન ઘરેથી ચાલ્યા ગયા બાદ જૂનાગઢથી મળી આવ્યો

પ્રિમેડીકલ નીટ પરીક્ષાનું પરિણામ ઓછુ આવતા

(વિનુ જોષી દ્વારા)જુનાગઢ,તા.૮: શહેરમાં એસ.ટી સ્ટેન્ડ ખાતેથી મજેવડી ચોકીના પીએસઆઇ કૃણાલ પટેલ, એ.એસ.આઇ ધાનીબેન પો.કો. વિપુલભાઇને એક ૧૮ વર્ષની ઉંમરના છોકરો મળી આવતા, રાજકોટ ખાતે રહેતા તેના પિતાને જાણ કરી, સોંપવામાં આવેલ હતો.

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં બ્રિલિયન્ટ સ્કૂલ પાસે આવેલ રામેશ્વર પાર્ક શેરી ન. ૦૩ મા રહેતા વલ્લભભાઈ ભંડેરી નો પુત્ર યશ ઉવ. ૧૮, પ્રિમેડીકલ નીટ પરિક્ષાનું પરિણામ ઓછું આવતા, ગઈકાલે કોઈને કહ્યા વગર દ્યરેથી નીકળી ગયો હતો. વિદ્યાર્થી યશના કુટુંબીજનો ખૂબ જ ચિંતાતુર બનેલ હતા. જે અંગેની જાણ રાજકોટ શહેરના માલવીયા પોલીસ સ્ટેશન કરવામાં આવેલ હતી. રાજકોટ શહેર પોલીસ દ્વારા બાળક ગુમ થયા અંગેની વિગત ફોટા સાથે જૂનાગઢ પોલીસને મોકલી જૂનાગઢ આવ્યાની શકયતા દર્શાવેલ હતી. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝનના સહિતની પોલીસની ટીમ દ્વારા નાઈટ રાઉન્ડ દરમિયાન ભવનાથ વિસ્તાર, રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ, વિગેરે જગ્યા સઘન તપાસ કરતા, જૂનાગઢ એસટી સ્ટેન્ડ ખાતેથી રાજકોટનો યશ વલ્લભભાઈ ભંડેરી પટેલ ઉવ. ૧૮ રહે. રામેશ્વર પાર્ક શેરી ના. ૦૩, મવડી, રાજકોટ મળી આવેલ હતો. બાદમાં પોલીસ ટીમ દ્વારા વિશ્વાસમાં લઈ, પૂછપરછ કરવામાં આવતા, પોતે પ્રિમેડીકલ નીટ પરિક્ષાનું પરિણામ ઓછું આવતા, ગઈકાલે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હોવાનું જણાવેલ હતું. પોલીસ દ્વારા મળી આવેલ છોકરાને નાસ્તો કરાવી, ચા પાણી કરાવડાવતા, છોકરો સ્વસ્થ થયો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા રાજકોટ શહેરના પીએસઆઈ એન.કે. રાજપુરોહિતને જાણ કરતા, તેના પરિવારજનો રાજકોટથી નીકળી જૂનાગઢ આવેલ અને જૂનાગઢ પોલીસને મળી આવેલ છોકરાનું તેના પરિવાર સાથે મિલન કરાવેલ હતું.

(12:59 pm IST)