Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

વિશ્વના સૌથી જુના જહાજોમાંથી એક 55 વર્ષ જુના માર્કો પોલો જહાજની અંતિમ સફરઃ અલંગ શિપ યાર્ડમાં લાવીને હરરાજી બાદ ભંગારમાં ફેરવાઇ જશે

ગાંધીનગર: રાજ્યના ભાવનગર નજીકના ખૂબ જ જાણીતા સ્થળ એવા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં કંઈક અલગ જ નજારો જોવા મળે છે. અહીં કોઈ ઊંચી જગ્યાએ જઈને જોવાથી ઠેર-ઠેર તમને મોટા-મોટા જહાજોનો કાટમાળ જ જોવા મળશે. જો કે સાચુ છે કે, અલંગ શિપયાર્ડ આવા આલિશાન જહાજોની અંતિમ સફર હોય છે. ચોતરફ લોખંડ અને લાકડાનો ભંગાર, મોટી-મોટી ક્રેનોની સાયરનો અને મશીનોના અવાજો કાનના પડદા ફાડી નાંખે છે.

જણાવી દઈએ કે, વિશ્વમાં ફ્રાન્સ બાદ બીજા સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે અલંગના શિપ યાર્ડનું નામ આવે છે. વિશ્વના સૌથી જૂના જહાજોમાંથી એક માર્કો પોલો 55 વર્ષ જૂનુ છે. તેની જાળવણી અને ઈન્સ્યોરન્સના જંગી ખર્ચના પગલે કંપનીએ હવે માર્કો પોલોને વેચવાનો નિર્ણય કર્યો છે.

કોરોના મહામારીના પગલે સૌથી મોટો ફટકો પ્રવાસન ઉદ્યોગને જ પડ્યો છે. લગ્ઝરિયસ મનાતા ક્રૂઝને પણ ભંગાર કરવા માટે ગુજરાતના અલંગમાં લાવવામાં આવી રહ્યા છે. જેમાં હવે વધુ એક નામ બ્રિટનના માર્કો પોલોનું નામ જોડાઈ ગયું છે.

લગભગ 55 વર્ષ જૂના વિશ્વના સૌથી આલિશાન જહાજોમાંથી એક માર્કો પોલોને પણ મંદીની માર પડી છે. અનેક મોટી કંપનીઓએ આ જહાજને ખરીદવામાં રસ દાખવ્યો છે. અલંગ શિપયાર્ડ પર આવ્યા બાદ તેની નિલામી થશે.

ઉલ્લેખનીય છે કે, ભારતનું પ્રથમ પ્રીમિયમ ક્રૂઝ પણ નવેમ્બરમાં જ અલંગ પહોંચ્યું હતું. જે બાદ તાજેતરમાં ઓસિયમ ડ્રીમ નામનું જહાજ દરિયા કાંઠે લાંગરવામાં આવ્યું છે. જાન્યુઆરીના અંતમાં ગ્રાન્ડ સેલિબ્રેશન સાથે માર્કો પોલોને પણ તોડીને ભંગારમાં ફેરવાઈ જશે.

(5:15 pm IST)