Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

રાજુલા અને જાફરાબાદ પંથકમાં ધારાસભ્‍ય અમરીશ ડેર અને લોક સાહિત્‍યકાર માયાભાઇ આહિર દ્વારા ટીફીન સેવાનો પ્રારંભ

રાજુલા: સૌરાષ્ટ્રની પરંપરા મુજબ ભૂખ્યાને રોટલો આપવો એ કામ સંતોએ તો કર્યું છું પરંતુ ધારાસભ્ય દ્વારા આજથી રાજુલા વિસ્તારમાં ટિફિનસેવા શરૂ થઇ છે. જે પ્રેરણાદાયી પગલું ગણી શકાય તેમ છે. સામાન્ય રીતે ભૂખ્યાને ભોજન આપવું સૌરાષ્ટ્રની પરંપરા રહી છે. જો કે રાજુલા અને જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રાજુલા વિસ્તારમાં કોઈ અપંગ અશકત ભૂખ્યું સૂતું હોય તેને તેમના ઘર સુધી રોજ સાંજે ટિફિન પહોંચાડી દરિદ્રનારાયણની અનોખી સેવા કરવાનો તેમનો આ પ્રયાસ સમગ્ર વિસ્તારના લોકોએ આવકાર્યો છે.

પ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના વરદ હસ્તે આ ટિફિન સેવાનો પ્રારંભ થયો છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે કોઈપણ જાતના સ્વાર્થ વગર શરૂ થયેલા સેવાને સમગ્ર વિસ્તારમાંથી સારો આવકાર મળી રહ્યો છે. આ એક પ્રેરણાદાયી પગલું કહી શકાય. જોકે ગત લોકડાઉનના શરૂઆતના સમયમાં પણ આ વિસ્તારના ધારાસભ્યએ હજારો લોકો માટે રસોડુ ચાલુ કરી પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી તે પણ સરાહનીય પગલું કહી શકાય.

જરૂરિયાત મંદ લોકોને સાંજનું ભોજન ઘેર બેઠા મળી રહે તેની શરૂઆત ધારાસભ્ય અમરીશ ડેર અને તેમના પાર્થ ગ્રુપ દ્વારા શરૂ કરાઈ છે. આ સેવાને ધીરે ધીરે આગળ વધારીને  ભવિષ્યમાં આ વિસ્તારના લોકો માટે ભોજન અને આરોગ્ય સેવાઓ પૂરતી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવશે. સુપ્રસિદ્ધ સંત પૂજ્ય મોરારી બાપુના વિચારોને આગળ વધારીને એ દિશામાં સેવા કરવાનું ભવિષ્યનું પગલું અમારા ગ્રુપ દ્વારા લેવામાં આવશે તેમ ધારાસભ્ય અમરીશ ડેર જણાવ્યું હતું.

તારા પાડોશમાં કોઈ ભૂખ્યું સૂતું હોય તો મુઠી ચણ નાખતો જાને રે. કુદરતે કંઈ આપ્યુ હોય તો હોઈ તો કંઈક આપતો જાને રે. આ સુપ્રસિદ્ધ ઉક્તિને આધારે ધારાસભ્યએ જે કામ કર્યું છે જે સમગ્ર ગુજરાતના ધારાસભ્યો માટે અનુકરણીય છે. હાલ લોકો પણ તેમાં તન મન ધનથી જોડાઇ રહ્યા છે. સૌરાષ્ટ્રની ભોજન પરંપરાને આ પગલાએ વધારે ગૌરવવંતી બનાવી છે.

(5:15 pm IST)