Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ચોટીલા થાનગઢ વચ્‍ચે દિપડાનું બચ્‍ચુ માતાથી વિખુラટૂ પડયું : યુવાનોએ વટ પાડતો વિડીયો બનાવ્‍યો

૩ દિવસ પહેલાની ઘટના ૭ર કલાક વન વિભાગની દોડધામઃ સોશિયલ મિડીયામાં વાયરલ ૩ યુવાનો સામે ગુનો નોંધાયો

ચોટીલા તા.૮: ચોટીલા થાનગઢ વચ્‍ચે એક દિપડાનું બચ્‍ચુ રસ્‍તો ઓળંગતા માતાથી વિખુટૂ પડતા  ૩ યુવાનોએ રસ્‍તા પર થી ઉઠાવી વટ પાડતા ફોટા વિડીયો ઉતારી હેરાન પરેશાન કરેલ હોવાની ઘટના તંત્ર સમક્ષ આવતા વન વિભાગમાં દોડધામ મચેલ હતી અને દેવસર ગામનાં યુવાનો સામે ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલાનાં દેવસર ગામનાં ત્રણ યુવાનો શનિવારનાં સવારે થાનગઢ કારખાને કામ માટે બાઇક ઉપર જતા હતા તે સમયે રસ્‍તામાં એક દિપડાનું નાનુ બચ્‍ચુ રોડ ઉપર મળી આવતા યુવાનોએ બચ્‍ચા સાથે પોતાના વિડીયો ફોટા વટ પાડતા પાડેલ હતા અને બચ્‍ચાને સાથે થાનગઢ લઇ ગયા હતા જ્‍યાં આગળ બચ્‍ચાએ રો કકળ મચાવતા યુવાનોને કોઇએ જણાવતા પરત જ્‍યાં થી મળેલ તે સ્‍થળે બચ્‍ચાને મુકવા આવેલ હતા ત્‍યાં લોકો એકઠા થતા સ્‍થાનિક વન વિભાગ સાથે સંકળાયેલ વ્‍યક્‍તિ ને જાણ થતા તેને વિભાગનાં અધિકારીને જાણ કરતા દોડી આવેલ હતા અને દિપડાના બચ્‍ચાનો કબ્‍જો લીધો હતો

તા. ૪ ના રોજ સવારે ૮ વાગ્‍યાના અરસામાં બચ્‍ચુ રોડ ઉપર થી યુવાનોએ ઉઠાવેલ હતું વન વિભાગને ૧૦ વાગ્‍યાના અરસામાં જાણ થઇ ત્‍યાં સુધીમાં યુવાનોએ ફેસબુક અને ઇસ્‍ટાગ્રામ ઉપર બચ્‍ચા સાથેનો વિડીયો ક્‍લીપ પોસ્‍ટ કરી ભાયડા જીવે છે વટમાં તેવો દેખાવ કર્યો હતો

માંડવ અને ચોટીલા જંગલ વિસ્‍તારમાં દિપડાની વસ્‍તી છે ૨૨ થઈ ૨૫ દિવસનાં બચ્‍ચાઓ સાથે તેની માતા પસાર થતા એક બચ્‍ચુ પાછળ રહી જતા વિખુટૂ પડેલ જે આ ત્રણ યુવાનોની ઝપટમાં ચડી જતા તેઓની હેરાનગતિનો ભોગ બનેલ વન વિભાગે સારલા રોહિત ધમાભાઇ સહિત બે બાળ ગુનેગારો સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરેલ છે.

૭૨ કલાકના પ્રયાસો છતા માતા સાથે મિલાપ અશકય રહ્યો

એકાદ મહિનાના બચ્‍ચાને ચોટીલા આર એફ ઓ એન. પી. રોજાસરા તથા તેમની ટીમ દ્વારા આરોપીઓ પાસે સમગ્ર ઘટનાનું રી કન્‍સ્‍ટ્રક્‍શન કરાવી જે વિસ્‍તારમાંથી વિખુટૂ પડેલ ત્‍યાં આગળ તેની માતા સાથે મિલાપ કરાવવા ૩ દિવસ પ્રયાસ કરાયો પણ તેમા વિભાગને સફળતા મળેલ નથી

દિપડાની સુરક્ષા માટે સરકાર દ્વારા નક્કર આયોજન જરૂરી બનેલ છે

ચોટીલા તાલુકામાં એક અંદાજ મુજબ ખાસી સંખ્‍યામાં દિપડાની વસ્‍તી છે અને જંગલ વિસ્‍તાર તમામ મોરચે ખુલ્લો છે તેમજ જંગલની એકદમ નજીક અનેક પ્રકારના વ્‍યવશાયોને કારણે વાહનો અને લોકોની અવર જવર વધેલ છે ત્‍યારે એક નક્કર સુરક્ષા માટે ઉચ્‍ચ કક્ષાએ તપાસ કરી બાઉન્‍ડ્રી વોલ બને તેવી વાઇલ્‍ડ લાઇફ પ્રેમીની માગણી છે.

(1:04 pm IST)