Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

જુનાગઢ જીલ્લા જેલના અધિક્ષક તરીકે કડક અધિકારી નાસીરૂદીન લોહાર નિયુકત

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૮: છેલ્લા ઘણા વર્ષોથી રામભરોસે ચાલતી અને વારંવાર વિવાદોમાં સપડાયેલી રહેતી જૂનાગઢ જિલ્લા જેલના હાલના ઇન્‍ચાર્જ અધિક્ષક ડી.એમ.ગોહિલની બદલી કરી દેવાઈ છે અને તેમની જગ્‍યાએ ગુજરાતની જેલોમાં સિંઘમ અને ડેમેજ કન્‍ટ્રોલર તરીકેની છાપ ધરાવતા કડક અધિકારી એવા જામનગરના જિલ્લા જેલ અધિક્ષક  નાસિરુદ્દીન લોહારને પ્રતીનીયુકિત પર મૂકાયા છે.

શ્રી નાસીરુદ્દીન લોહાર ડાયરેક્‍ટ ભારતીના યુવા અધિકારી છે અને તેઓ બ્‍યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ, કેન્‍દ્રીય ગળહમંત્રાલય, નવી દિલ્‍હી ના સભ્‍ય છે. કેન્‍દ્રીય એજન્‍સીઓ સાથે નાતો ધરાવતા આ અધિકારીથી ગુન્‍હેગારો માં ભય રહે છે. સુધારાત્‍મક પ્રશાસનમાં પણ તેમનો એટલોજ ફાળો રહેલો છે અને તે બદલ તેમને ચાલુ વર્ષે ડી.જી. બી.પી.આર.એન્‍ડ ડી. ની કમેન્‍ડેશન ડિસ્‍ક પણ એનાયત કરાઇ છે.

જૂનાગઢ જિલ્લા જેલ હાલ ઓવર ક્રાઉડિંગનો શિકાર છે. ૨૬૫ કેદી સમાવેશ ક્ષમતા ધરાવતી આ જેલમાં હાલ સવા ચારસો જેટલા કેદીઓ રહેલા છે. જિલ્લા જેલને શહેર બાહર ખસેડવાની અને જેલને ખરા અર્થમાં જેલ બનાવવાના લક્ષ્ય સાથે શ્રી લોહારને જૂનાગઢ મૂકાયા છે ત્‍યારે જૂનાગઢ અને ગીર-સોમનાથના ગુન્‍હેગારોમાં ભયનો માહોલ ઉભો થવા પામ્‍યો છે.

જામનગર, અમદાવાદ અને વડોદરાની જેલોમાં રહેલી ગેંગોને તોડી પાડી સીધા કરી દેનાર લોહારને જૂનાગઢ જિલ્લા જેલને કંટ્રોલ કરવા અજમાવવા માં આવ્‍યા છે ત્‍યારે વિવિધ એજન્‍સીઓ અને સરકારના ખાસ ગણાતા આ અધિકારીની કામગીરી પર સહુની નજર રહેશે.

(1:40 pm IST)