Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ચિતલીયામાં દોઢ ઇંચ, આટકોટનો ચેકડેમ છલકાઇ ગયો : ભાવનગરમાં ૦ાા ઇંચ : પાલીતાણા, વલ્લભીપુર, જેસર - ખાંભામાં ઝાપટા

ગોહિલવાડમાં કડાકા-ભડાકા સાથે એન્ટ્રી બાદ ખેતર ખેડાય તે પહેલા વાવણી લાયક વરસાદ : પાકને નુકસાન

ખેતરો બહાર પાણી નિકળ્યા : આટકોટ : ચીતલીયા સીમમાં સારો વરસાદ પડતાં આટકોટના ચેકડેમ છલકાઈ ગયા હતા. આટકોટમાં વગર વરસાદ એ ચેકડેમ છલકાઈ જતાં લોકો ચેક ડેમ જોવા ઉમટી પડયા હતા. ચીતલીયાની સીમમાં સારો વરસાદ પડતાં ખેતરો બહાર પાણી નિકળી ગયા હતા જે આટકોટના ચેકડેમમા નવાં પાણીની આવક થઈ હતી. ઉપરવાસ સીમમાં સારો વરસાદ પડતાં ચેક ડેમ છલકાઈ ગયા હતા. (તસવીરો : કરશન બામટા - આટકોટ)

આટકોટમાં વાવણી : આટકોટ : ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા હતા. ગઇકાલે દોઢ ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતો વાવણીમાં જોતરાઇ ગયા હતા. અમુક વિસ્તારમાં વરસાદ પડયો હતો. અમુક વિસ્તારમાં ખેડૂતો વાવણીમાં બાકી રહેલા છે. (તસ્વીરો : કરશન બામટા)

તળાજા યાર્ડમાં મગફળીની ગુણીઓ પલળી ગઇઃ ગઇકાલે બપોર ધોમધખતા તાપ વચ્ચે એકાએક આવી ચઢેલ મેઘ સવારીને લઇ ભાવનગર જિલ્લાના તળાજા યાર્ડના મેદાનમાં પડેલ મગફળીની અનેક ગુણીઓ પલળી ગઇ હતી. એટલું જ નહિ ભારે વરસાદના પગલે યાર્ડની ખુલ્લી જગ્યામાં એ રીતે પાણી ભરાઇ ગયા હતા કે તળાવ ભરાયું હોય. (તસ્વીર : આનંદ રામદેવ - તળાજા)

રાજકોટ તા. ૮ : ગઇકાલે પણ સાંજે હવામાન પલટાયું હતું અને મેઘાએ ભાવનગર - અમરેલી - રાજકોટ જિલ્લામાં કયાંક કયાંક મુકામ કર્યો હતો. જેમાં પણ ગોહિલવાડ ઉપર રહેમ દ્રષ્ટિ કરી હતી.

બાજરી, શીંગ, ચારોલાને નુકસાન

ભાવનગર : જિલ્લાના તળાજા તાલુકાના કેટલાક ગામડાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈહતી. કડાકા ભડાકા સાથે વાવણી લાયક વરસાદ પડી ગયો.જોકે બોરડા અને ગોપનાથ પંથકના ગામડાઓમાં સૂર્યદેવતા ધોમધખતા રહ્યા હતા. તળાજા, પાલીતાણા, જેસર અને વલભીપુરમાં વરસાદ પડ્યો હતો.

તળપદી ભાષામાં કહીએ તો ગઈકાલે રોણ નક્ષત્રનો છેલો દિવસ હતો. આવતીકાલે મંગળવારથી મૃગશર નક્ષત્ર બસે છે.લોક વાયકા એવી છેકે મૃગશરના મેં અને આડદરાના વાવણાં.

તળાજા શહેરમાં ધોમધખતા મધ્યાહનને મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. શહેરમાં સામાન્ય વરસાદ રહ્યો. પરંતુ શહેરના છેવાડે આવેલ કોર્ટ, મામલતદાર ઓફીસથી આગળ રોયલ, હબુકવડ, ટીમાંણાં, દિહોર, સમઢીયાળા જે આખી પટ્ટી કહેવાય તે વિસ્તારમાં કડાકા ભડાકા સાથે દોઢેક કલાક ધોધમાર વરસાદ વરસી ગયો.

તળાજા યાર્ડના ખેડૂત આગેવાન હરજીભાઈ ધાંધલીયા એ જણાવ્યું હતુંકે દિહોર પટ્ટીના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો.ખેતર બહાર પાણી નીકળી ગયા હતા. આ વિસ્તારમાં કેનાલ આવતી હોય હજુ અમુક ખેતરમાં ઉનાળુ મગફળી કરી હોય અને ખેતરમાં હોય તેને ઘાસચારા સાથે નુકશાન કહી શકાય. જોકે હજુ મોટાભાગના ખેડૂત ને ખેડ બાકી છે.ચાહ પાડવાના બાકી છે.

બીજી તરફ બોરડા,ગોપનાથ પટ્ટીના ગામડાઓમાં ધોમધખતો તાપ રહ્યો હતો. ભાવનગરમાં૧૩ મી.મી., પાલીતાણામાં ૮ મી.મી., વલભીપુરમાં ૨ મી.મી. અને જેસરમાં ૩ મી.મી. તથા અમરેલીના ખાંભામાં પાંચ મીમી વરસાદ નોંધાયો છે.

સાવરકુંડલામાં દોઢ ઇંચ વરસાદ

સાવરકુંડલા : પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય બફારો અને ઉકળાટ રહ્યા બાદ રવિવારે સાંજે વરસદા વરસવો શરૂ થયો હતો. ઘડીભર તો પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા ગત પખવાડીયે આવેલા વાવાઝોડાની યાદ શહેરીજનોને આવી ગયેલી. અમરેલી તરફથી આવેલો વરસાદ મહુવા રોડ ઉપરના બાઢડા ગામ સુધી ધોધમાર વરસ્યો હતો. જે મામલતદાર કચેરીમાં ૩૪ મીમી નોંધાયો છે. જોકે સાવરકુંડલાની આથમણી દિશા હાથસણી - કાના તળાવ વગેરે ગામમાં આ વરસાદ નોંધાયો નહોતો જ્યારે સીમરણ - જીરા - ચરાવડીયા વગેરે ગામોમાં સારો વરસાદ પડી ગયો હતો. સાવરકુંડલાની નાવલી નદીમાં વાવાઝોડા દરમિયાન બે કાંઠે પૂર આવેલું. તો ગઇકાલે પણ ચોમાસાની શરૂઆતમાં જ ગોઠણ સમુ પૂર આવ્યું હતું. તેમ નદીકાંઠે ઇલેકટ્રીક કાંટાનો શો-રૂમ ધરાવતા પંકજભાઇ નગદિયાએ જણાવ્યું હતું.

(10:59 am IST)