Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

બીલખામાં ફાયરીંગ કરી વેપારીની હત્યાની કોશિષઃ કાર નીચે કચડી નાખવાનો પણ પ્રયાસ

બાપ-દાદાની જમીન અંગે ચાલતા વાંધાનું બળજબરીથી સમાધાન કરાવવા ત્રણ શખ્સોએ લુખ્ખાગીરી આચરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૮ :.. જુનાગઢ નજીકનાં બીલખામાં ફાયરીંગ કરી વેપારીની હત્યાની કોશિષની સાથે તેને કાર નીચે કચડી નાખવાનો પણ ત્રણ શખ્સોએ પ્રયાસ કરી નાસી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપીઓને પકડવા નાકાબંધી કરી હતી. પરંતુ સવાર સુધી પોલીસને કોઇ હાથ લાગ્યુ ન હતું.

બીલખામાં ધર્માલય રોડ ખાતે રહેતા અને ગામમાં ખોળ-કપાસીયાની દુકાન ધરાવતા લકકી ઉર્ફે ભીમ રાઠોડભાઇ હુદડ (ઉ.વ.૩૦) ને તેના ભાઇ સાથે બાપ-દાદાની ખેતીની જમીન અંગે વાંધો ચાલે છે. જેમાં બીલખાનો યુવરાજ અશોકભાઇ ગોવાળીયા ધાક-ધમકી આપી બળજબરીથી સમાધાન કરાવવા માંગતો હતો. પરંતુ તેમાં વેપારી સહમત ન હતાં.

ગઇકાલે સાંજે વેપારી લકકી ઉર્ફે ભીમ તેની દુકાને હતાં. ત્યારે યુવરાજ તેમજ શિવરાજ ઉર્ફે શિવો નાજભાઇ જેબલીયા અને એક અજાણ્યો દાઢીવાળો માણસ ૧૧૧ નંબરની કારમાં ધસી ગયા હતાં.

આ સમયે દુકાન પર હાજર લકકી ઉર્ફે ભીમના ભાઇ મિલનભાઇને બેઝબોલનાં ધોકા વડે માર મારી અને પિસ્તોલ અથવા તમંચા જેવા હથિયારમાંથી લકકી હુદડ ઉપર એક રાઉન્ડ ફાયરીંગ કરી તેમજ તેના ઉપર કાર ચડાવી મારી નાખવાની કોશિષ કરી હતી.

આ બનાવ બાદ ત્રણેય શખ્સો નાસી ગયા હતાં. બનાવની જાણ થતા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તુરત બીલખા દોડી ગયા હતાં. તેમજ હુમલાખોરો પકડવા માટે બીલખા ઉપરાંત વિસાવદર તથા મેંદરડા વિસ્તારમાં પોલીસે રાત્રે નાકાબંધી કરી હતી.

આ બનાવ અંગે મોડી સાંજે બીલખાનાં પીએસઆઇ એમ. જી. ધામાએ વેપારીની ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

(12:06 pm IST)