Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

દ્વારકા જીલ્લામાં નવા ૧૭ પોઝીટીવ :૧૯ ડીસ્ચાર્જ

ખંભાળીયામાં મોટાભાઇને મારમારતા છોડાવવા ગયેલા નાનાભાઇને છરી ઝીંકી

ખંભાળીયા તા.૮ : દેવભૂમિ દ્વારા જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ગઇકાલે દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાઓમાં ર૪ કલાકમાં માત્ર ૧૭ નવા કેસો નોંધાયા હતા. જેમાં ખંભાળીયામાં બે, કલ્યાણપુરમાં ૩, દ્વારકામાં ૭ તથા ભાણવડમાં પ કેસ નોંધાયા હતા ડિસ્ચાર્જ થઇને સજા થનાર દર્દીઓકુલ ૧૯ છે. જેમાં દ્વારકાના ૧૩, ભાણવડના ર તથા કલ્યાણપુરના ૪નો સમાવેશ થાય છે. જયારે ખંભાળિયામાં એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી.

દ્વારકા જિલ્લામાં સતત પ દિવસથી એકપણ મૃત્યુ કોવીડ કે બીન કોવીડમાં નોંધાયેલ નથી રોજ કોરોના ટેસ્ટીંગ ચાલુ છે. જેમાં ગઇકાલે ભાણવડમાં ૧૪૩, દ્વારકામાં ૧૯૬, કલ્યાણપુર ૩૦૬, ખંભાળિયા ર૧પ ટેસ્ટીંગ થયા છે.

મ્યુકો માઇકોસીસનો એકપણ નવો કેસ દિવસોથી નોંધાયો નથી.

ખંભાળીયામાં હેડ કોન્સ. નરેન્દ્રભાઇ હરીશભાઇ ચાવડાના મોટાભાઇને રાજન કીરીટ વાઘેલા તથા આદેશ મોહન ટીમાણીયા માર મારતા હોય તેને છોડાવવા જતાં નરેન્દ્રભાઇને ગાળો કાઢી છરી વડે હૂમલો કરી ઇજા કરતાં સારવારમાં ખસેડાયા હતાં.

સેવક દેવળીયા ગામે બોગસ તબીબ ઝડપાયો

ભાણવડના સેવક દેવળીયા ગામે ગુજરાત મેડીકલ કાઉન્સીલીંગનું સર્ટીફીકેટ વિના દવાખાનું ખોલી દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હોવાની જાણ થતા ભાણવડ પોલીસે આરોગ્ય ટીમને સાથે રાખી તપાસ કરતાં સાદાબ સલીમ લાખા (ઉ.વ.૪૩) રહે. શિવનગર ભાણવડ વાળો કોઇ ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીશ કરતાં ઝડપાઇ જતાં પોલીસે દવાના સાધનો સહિતનો ૧૪૦૯૪ નો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે.

ભાટીયામાં બાઇક પર દારૂની હેરાફેરી

કલ્યાણપુરના ભાટીયા પીજીવીસીએલ ની ઓફીસ પાસેથી સ્પ્લેન્ડર બાઇક લઇને પસાર થતાં બે શખ્સોને રોકી તલાસી લેવામાં આવતાં બાઇક સવાર શખ્સો પાસેથી  દારૂની બોટલ નંગ ૧૪ મળી આવતાં કબ્જે કરી બાઇક ચાલક સાગર ઉર્ફે સેની ઉર્ફે સાગુ કરમણભાઇ વરમલ રહે. પોલીસ ચોકી સામે તથા સુભાષ ઉર્ફે કિશન પરબત કરમુર રહે. ભાટીયા બન્નેની ધરપકડ કરી બાઇક, મોબાઇલ સહિત ૬ર,ર૮૦ નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ કલ્યાણપુર પોલીસે હાથ ધરી છે.

(1:09 pm IST)