Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કેન્દ્રના નેશનલ હેલ્થ મિશન દ્વારા જામનગરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રને નેશનલ કવોલિટી એશ્યોરન્સ સર્ટીફીકેશન મળ્યું

કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રએ ૮૯.૧૨ના સ્કોર સાથે સમગ્ર દેશમાં પસંદ થયેલા ૧૭૭ કેન્દ્રોમાં સ્થાન મેળવ્યું

જામનગર : આરોગ્ય ક્ષેત્રમાં વધુ એક સિદ્ઘિનો ઉમેરો થયો છે. કેન્દ્ર સરકારના નેશનલ હેલ્થ મિશન દ્વારા કરવામાં આવેલ મૂલ્યાંકનમાં શહેરની કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રની નેશનલ  કવોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેશન માટે પસંદગી કરવામાં આવી છે. સમગ્ર ભારત દેશમાં કુલ ૧૭૭ આરોગ્ય કેન્દ્રોની આ માટે પસંદગી કરાઈ છે જેમાં જામનગરના કામદાર કોલીની અર્બન હેલ્થ સેન્ટરને પણ પોતાનું સ્થાન પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ જામનગરનું ગૌરવ વધાર્યું છે. કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રે કરવામાં આવેલ તમામ મુલ્યાંકનોમાં ૮૯.૧૨ ટકાનો સ્કોર હાંસલ કરી આ સ્થાન મેળવ્યું છે.

આ અંગેની જાણ કરતો પત્ર નેશનલ હેલ્થ મિશનના અધિક સચિવ અને ડાયરેકટરશ્રી વંદના ગુરૂનાની દ્વારા રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવશ્રી જયંતિ એસ. રવિને સંબોધીને પાઠવવામાં આવ્યો છે.

આ સિવાય ભાવનગરના મથાવડા અને હાથબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અમરેલીના ચમારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પસંદગી આ પ્રમાણપત્ર માટે કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ચ્યુઅલ મૂલ્યાંકન, રાજયનું પ્રમાણપત્ર, દસ્તાવેજની ચકાસણી, વૈજ્ઞાનિક અને કાયદાકીય પૂર્તી, મહત્વપૂર્ણ કાર્યક્ષમતા વગેરેના સ્કોરના આધારે આ સમગ્ર મૂલ્યાંકન અને ગુણાંકન કરવામાં આવે છે.આ સિવાય ઓ.પી.ડી., લેબોરેટરી, લેબર રૂમ, ઇન પેશન્ટ ડિપાર્ટમેન્ટ, નેશનલ હેલ્થ પ્રોગ્રામ અને સામાન્ય વહીવટ સહિતની બાબતોને પણ આ પ્રમાણપત્રના મૂલ્યાંકન અને ગુણાંકન માટે ધ્યાનમાં લેવામાં આવે છે.

દેશના કુલ ૧૭૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આ માટે લાયક ગણવામાં આવ્યા છે. તેમાં ગુજરાતના ૧૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે. આમ, જામનગરે ફરી એકવાર રાષ્ટ્રીય કક્ષાએ આ સન્માન પ્રાપ્ત કરીને આરોગ્ય ક્ષેત્રે પોતાનો પરચમ લહેરાવ્યો છે.

સંકલન : વિરેન્દ્રસિંહ પરમાર, માહિતી મદદનીશ

ફોટો : ગજેન્દ્રસિંહ જાડેજા, માહિતી બ્યુરો, જામનગર

(1:11 pm IST)