Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

જામનગર જીલ્લા ભાજપની સેવા સંગઠન કામગીરીને બીરદાવતા ચાવડા

જામનગર,તા. ૮ : ગુજરાતના પનોતા પુત્ર અને  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સફળતાપૂર્વક ૭ વર્ષ પૂર્ણ કરેલ છે તેની ગરીમામય ઉજવણી 'સેવા હી સંગઠન'ના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં થઈ રહેલ છે ત્યારે જામનગર જિલ્લામાં થયેલ 'સેવા હી સંગઠન' ના કાર્યોની સમીક્ષા કરવા માટે પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ રૂબરૂ મુલાકાત લીધેલ વિનોદભાઈ ચાવડાએ  જામનગર જિલ્લા યુવા ભાજપ તથા લાલપુર તાલુકા યુવા ભાજપ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લીધેલ. ત્યારબાદ જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય 'અટલ ભવન' ખાતે જીલ્લા હોદેદારો, તાલુકા શહેરી મંડલના પ્રમુખો, મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત આગેવાનો સાથે જિલ્લા પ્રભારી જેન્તીભાઈ કવાડીયા તથા સહ પ્રભારી વંદનાબેન મકવાણાની ઉપસ્થિતિમાં બેઠકમાં ભાગ લીધેલ.

જિલ્લા પ્રભારી જેન્તીભાઈ કવાડીયાએ સંગઠનની નવનિયુકત કારોબારી સભ્યો, મંડલના પ્રમુખ મહામંત્રી તથા મોરચાના હોદેદારોને અભિનંદન પાઠવી સંગઠનને વધુ ને વધુ મજબુત બનાવવા આહવાન કરેલ. આ બેઠકમાં જિલ્લાના સૌ આગેવાનો પ્રમુખ રમેશભાઈ મુંગરા, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, મનોજભાઈ જાનીએ જામનગર જિલ્લા ભાજપ પરિવાર વતી પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાનું દ્વારકાધીશની છબી તેમજ શાલ ઓઢાળી સન્માન કરેલ.

આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ સહિત ભાજપના સીનીયર આગેવાનો દિલીપસિંહ ચુડાસમા, ડો. વિનોદ ભંડેરી, ડો. પી. બી. વસોયા, મેઘજીભાઈ ચાવડા, કશ્યપભાઈ વૈષ્ણવ સહિત તમામ અપેક્ષીતો ઉપસ્થિત રહેલ.

સંચાલન સીનીયર મહામંત્રી દિલીપભાઈ ભોજાણીએ કરેલ તેમજ આભારવિધી કરતાં જણાવેલ કે પ્રદેશ મહામંત્રી અને જિલ્લાના બન્ને પ્રભારીઓની મુલાકાતથી જિલ્લાની કાર્યકરોમાં ઉત્સાહની લાગણી દેખાઈ રહેલ છે.

(1:12 pm IST)